Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પોરબંદરમાં લોકસભા ચૂંટણી માટેના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

પોરબંદર તા. ૪ : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા સેવા સદન પોરબંદર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા લોકસભા ચૂંટણી માટે આગોતરી તૈયારી સાથે ૨૧ નોડલ અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. આ નોડલ અધિકારીઓ તેમની કામગીરી સંદર્ભે કરવાની થતી તૈયારીઓ તેમજ ચૂંટણી કામગીરી સુપેરે કરવા સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

૨૧ નોડલ અધિકારીઓમાં ખર્ચ માટે જિલ્લા વિકાસ અધિકારી, મેન પાવર મેનેજમેન્ટ અને કાયદો વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેકટર, ઇવીએમ, વીવીપેટ મેનેજમેન્ટ અને આચારસહિંતા માટે નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, હેલ્પ લાઇન અને ફરિયાદ નિવારણ ચૂંટણી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ચૂંટણી નિરીક્ષકો માટે કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ-મકાન, ચૂંટણી મટીરીયલ્સ  મેનેજમેન્ટ માટે જિલ્લા શિક્ષણાધિકારી નોડલ અધિકારી રહેશે.

ઉપરાંત સ્વીપ, તાલીમ, વાહન વ્યવહાર, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર-પ્રસાર, કર્મચારી વેલ્ફેર સહિતની બાબતો અંગે નોડલ અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ બેઠકનું સંચાલન કરવા સાથે નોડલ અધિકારીઓની કામગીરીની વિગતો આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર મહેશ જોષી સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૫)

(10:30 am IST)