Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાણવડ પાલિકા સફાઇ પ્રશ્ને રેટીંગની હોડમાં છે ત્યારે રાજમાર્ગો પર ગટરના ગંદા પાણી ફરે છે

શહેરમાં કયાંય ડસ્ટબીન નજરે ચડતી નથી!! ગેરકાયદે પ્લાસ્ટીકનું ધૂમ વેચાણ

ભાણવડ તા.૪: એક તરફ ભાણવડ શહેરના માર્ગો ગટરના પાણીથી ખદબદી રહયા છે ને બીજી તરફ પાલિકા સ્વચ્છતા મિશનની પોકળ ગુલબાંગો ફુંકી રહયું છે.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોની સ્વચ્છતાના ધોરણે રેટીંગ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં ભાણવડ નગરપાલિકા વાહકોએ રસ્ટાર કે ૩ સ્ટાર રેટીંગ મેળવવા માટે હાથ ધરેલી કામગીરીની જાહેરાતો તો કરી છે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે, કરાયેલી જાહેરાતોમાંથી મોટાભાગની પોકળ સાબિત થઇ રહી છે.

ભાણવડ શહેરમાં ઠેર-ઠેર માર્ગો ગટરોના પાણીથી ખદબદી રહયા છે. રણજીતપરાના વાછરાડાડા ચોક સહિતના અનેક વિસ્તારોમાં આ સમસ્યા કાયમી ઘર કરી ગઇ છે માર્ગો પર ગટરોના પાણી વહીને ફલકુ નદીના પુલ પર આવે છે ત્યારે ચોકના ઢાળીયે આ પાણીને કારણે છાસવારે રાહદારીઓ તેમજ ટુવ્હિલરો લપસીને પડી આખડી રહયા છે જે અંગે પાલિકા વાહકો પણ જાણે છે તેમ છતાં આજ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરેલ નથી.

સતત ટ્રાફિકથી ધમધમતા આ ચોકમાં પાલિકામાં હોદ્દા શોભાવતા હોદ્દેદારના વ્યવસાયિક એકમો આવેલા હોવા છતાં લાંબા સમયની આ સમસ્યા સામે આંખ આડા કાન કરી કિન્નાખોરી કરી રહયા છે. પાલિકાવાળાઓએ જાહેરાત કરી છે કે, કોમર્શિયલ સ્થળોએ દર ૧૦૦ મીટરના અંતરે ડસ્ટબીન મુકેલા છે પરંતુ શહેરીજનોને આવી સુવિધા કયાંક નજરે પડી નથી અને પાલિકાની આ જાહેરાતને પોકળ ગણાવી રહયા છે. શહેરમં ખુલ્લેઆમ ૫૦ માઇક્રોનથી નીચેની પ્રતિબંધિત પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ થઇ રહયો છે પરંતુ પાલિકા વાહકો સંપૂર્ણ પ્રતિબંધિત હોવાના પોકળ દાવા કરી રહયું છે.

આવી તો પાલિકાવાહકોની અનેક પોકળ જાહેરાતો વચ્ચે શહેરની હાલત બદતરથી બદતર બની ગયેલ છે ત્યારે ર સ્ટાર કે ૩ સ્ટાર રેટીંગ તો જ મળે જો સ્વચ્છતા મિશન માટે ચકાસણી કરવા આવતા ખાનગી એજન્સીના નિરીક્ષકોની આંખમાં ધૂળ જોકવામાં આવે અથવા જો ખુશ કરવામાં આવે.

(9:36 am IST)