Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગારીયાધાર નગરપાલિકાનું ગાડુ ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલે છેઃ લોકરોષ

એન્જીનિયરની ભરતીમાં અરજી લીધા પછી ઉમેદવારોના ઇન્ટરવ્યુંના ઠેકાણાં નથી!!

ગારીયાધાર તા.૪: ગારીયાધાર ન.પા. કચેરી જાણે ઇન્ચાર્જ અધિકારીઓ પર ચલાવવાની નેમ હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ ચિફ ઓફિસર બાદ એન્જીનિયર પણ ઇન્ચાર્જ મુકી દેવાતા ભારે લોકચર્ચાઓના મુદ્દા બન્યા છે.

ગારીયાધાર ન.પા. કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી એન્જીનિયરની જગ્યા ખાલી રહેવા પામી છે. જે બાબતે ન.પા. તંત્ર દ્વારા જાહેર નિવિદા આપીને ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ આ ભરતી પ્રક્રિયા ઇન્ટરવ્યું બાબતે સ્થાનિક તંત્રની આળસ, જિલ્લા અધિકારીની બેદરકારી અને નેતાઓ પાસે સમયના અભાવના કારણે આ પ્રક્રિયા બંધ રાખી ઇન્ચાર્જ એન્જીનિયર લાવીને બેસાડી દેવામાં આવ્યા છે.

આ ઇન્ચાર્જ એન્જીનિયરના બે પાલિકાની જવાબદારી સંભાળતા હોવાથી ગારીયાધારપાલિકાને પુરતો સમય ફાળવાતો નથી. જેના કારણે બાંધકામની મંજુરી મેળવવા માટે અરજદારોને આજીજી કરતા પણ નજરેજોવા મળી રહ્યાં છે. ગારીયાધારની સામાન્ય પ્રજાને છેલ્લા કેટલાક સમયથી આવી આજીજી કરતા હોવાની રાવો પણ ઉઠવા પામી છે.

જયારે એન્જીનિયરની ભરતી બાબતે ૬ જેટલા ઉમેદવારો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી હતી પરંતુ ઇન્ટરવ્યું માટે ન બોલાવતા અને તંત્રની બેદરકારીના પાપે આજે ઇન્ચાર્જ એન્જીનિયરના ઇશારે દોરી સંચારથી અરજદારો હાલાકી વેઠતા જોવા મળી રહ્યાં છે.

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગવાની તૈયારીઓ થઇ રહી છે જયારે ગારીયાધારમાં પ્રજાજનો હાલાકી ભોગવી રહયા છે જે બાબત ખુબ જ નોંધનીય ગણી શકાયછે.

(1:17 pm IST)