Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો

બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર : ઘરકંકાસમાં કંટાળેલી માતાએ સંતાનો સાથે ૭૦ ફુટ ઉંડા કૂવામાં ઝંપલાવ્યું : માતા, બે પુત્રી તેમજ એક પુત્રનું મૃત્યુ

 જૂનાગઢ:  જૂનાગઢ જિલ્લાના વિસાવદરના જેતલવડ ગામે ચારણ પરિવારની મહિલા જીવુબેન કાળુભાઇ વિરમએ પોતાની બે પુત્રી જાનવી અને હેત્વી તથા બે પુત્રો કરણ અને રાજુ સાથે ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં માતા જીવુબેન, જાનવી, હેત્વી અને કરણનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત વર્ષના રાજુને બચાવી લેવાયો છે. તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી તો, માતા અને સંતાનોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાને પગલે વિસાવદર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, માતાએ રોજબરોજના ઘરકંકાસથી કંટાળીને ત્રસ્ત થઇ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી હતી. જો કે, તેમછતાં પોલીસે ઘટના પાછળના ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માતાએ પોતાના ચાર બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે ૭૦ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા ૧૦૮ અને પોલીસ તેમજ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઇ હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકંકાસને કારણે આવું પગલું ભર્યાનું બહાર આવ્યું છે. માતા જીવુબેને પહેલા પોતાના બે પુત્રો અને બે પુત્રીને ફેંકી બાદમાં પોતે કૂવામાં કૂદકો લગાવી ઝંપલાવ્યું હતું. જેમાં માતા જીવુબહેન, બે પુત્રીઓ જાનવી અને હેત્વી તેમ જ પુત્ર કરણ એમ કુલ ચાર જણાંના કરૂણ મોત નીપજયા હતા. ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને સંતાનોને બહાર કાઢયા હતા. જેમાં એક પુત્ર રાજુને બચાવી લેવાયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિસાવદર પોલીસે માતા પર ૩૦૨નો ગુનો નોંધી પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે જૂનાગઢના એસપી સૌરભસિંઘે જણાવ્યું હતું કે, પટેલની વાડીમાં આવેલા કૂવામાં માતાએ ચાર બાળકો સાથે ઝંપલાવ્યું હતું. એક બાળક બચી ગયું છે અને તેની હાલત નાજુક છે. તેને સારવાર માટે જૂનાગઢ ખસેડાયો છે. તે ભાનમાં આવશે તો તેનું નિવેદન લઇશું અને આખી ઘટના વિશે જાણીશું. આપઘાતકરવાના ઇરાદે જ તેઓએ કૂવામાં ઝંપલાવ્યાનું હાલ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જો કે, પોલીસે આ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:52 pm IST)