Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

ધોરાજીમાં ભરાયેલ રવિવારી બઝાર પોલીસે કલાકોમાં બંધ કરાવી

પોલીસ ઇન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજા અને સ્ટાફે ફેરિયાઓ પર ધોસ બોલાવી : સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ફરજીયાત... આવી બજારો ખુલવા દેવાશે નહિ : હુકુમતસિંહ જાડેજા (પોલીસ ઇન્સપેક્ટર)

ધોરાજી : ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર પોલીસ સ્ટેશન નજીક જાહેર માર્ગ પર અને રેલવે વિભાગની જમીન પર રવીવારી બજારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાઓ એ અડીંગો જમાવી દેતા રવીવારી બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરવાનું હોય અને ત્યારે ધોરાજીમાં રવિવારી બજાર ખુલતા સમગ્ર અહેવાલ મીડિયા મારફતે પ્રસારિત થતા ધોરાજી પોલીસ અધિકારી હુકુમત સિંહ જાડેજા પીએસઆઇ વસાવા અને પોલીસ સ્ટાફે તાત્કાલિક દોડી આવી રવીવારી બજારમાં ધોસ બોલાવી હતી અને ફેરિયાઓને તેમજ પાથરણા વાળા ઓને તાત્કાલિક હટાવી અને રવીવારી બજારમાં એકત્રિત થયેલા લોકોને દૂર કરી તાત્કાલિક અસરથી રવિવારી બજાર બંધ કરાવી હતી અને ધોરાજી પોલીસે યશસ્વી કામગીરી બજાવી હતી.

  આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમોનો ભંગ થતો હોય જેથી તાત્કાલિક અસરથી રવિવારી બજાર બંધ કરાવી છે તેમજ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ આગામી સમયમાં પણ કોઈપણ પ્રકારની આવી બજારો ખુલવા દેવામાં આવશે નહીં કોરોના સમયે સાવચેતી અત્યંત મહત્વની છે અને તેનું કડકાઈ પૂર્વક અમલવારી કરવામાં આવશે.

(5:30 pm IST)