Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જુનાગઢમાં પ્રથમ વખત ૭ દિ'નો એનએસએસ કેમ્પઃ સોમવારે પ્રારંભ

દેશના વિવિધ રાજયોમાંથી એનએસએસ સ્વયંસેવકો સહિત કુલ રપ૦ જેટલા ડેલીગેટસ ભાગ લેશેઃ સોમવારે ભવ્ય ઉદઘાટન સમારોહઃ ૧ર મીએ સમાપન સમારોહઃ સંતો-મહાનુભાવોની ઉપસ્થિતિઃ કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

જુનાગઢ તા. ૪ :.. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના એનએસએસ સેલ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગર તથા એન. એસ. એસ. એલ., ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬ જાન્યુઆરીથી ૧ર જાન્યુઆરી દરમ્યાન ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાના એનએસએસ નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છ રાત્રી સાત દિવસના આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં ગુજરાત તથા દેશના વિવિધ રાજયોમાંથી અલગ-અલગ વિશ્વ વિદ્યાલયોમાંથી પ્રોગ્રામ કો. ઓર્ડિનેટર્સ તથા ઓફીસર્સ, એન. એસ. એસ. સ્વયંસેવકો, પ્રોફેસર્સ, મહેમાનો સહિત કુલ રપ૦ જેટલા ડેલીગેટસ ભાગ લેશે.

આજના યુવાધનમાં શિસ્ત, સેવા, સમર્પણ, સંસ્કાર, શિક્ષણ તથા જ્ઞાન-માહિતીનો સમન્વય થાય અને આજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તેવો આશય રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) નો રહયો છે. સાત દિવસના આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં નિષ્ણાતોના સમાજોપયોગી વકતવ્યો, શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, મતદાન જાગૃતિ, યુવતિઓ માટે સ્વરક્ષણની તાલીમ (સંભવીત), સૌરાષ્ટ્ર તથા જુનાગઢના વિવિધ  પ્રવાસન સ્થળોરૂપે ઐતિહાસીક વારસાની ઓળખ અને મુલાકાત, ગુજરાત સહિત વિવિધ રાજયોના સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીરનાર જંગલમાં ટ્રેકીંગ, યોગા, સંઘની નિર્દોર્ષ રમતો સહિતની પ્રવૃતિઓ કરવામાં આવનાર છે.

તા. ૬ જાન્યુઆરી સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે ભારતી આશ્રમ, જુનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષના આ એન. એસ. એસ. કેમ્પનો ભવ્ય ઉદઘાટન સમારોહ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. જેમાં ઉદઘાટક તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગરના કમિશનર એમ. નાગરાજન ઉપસ્થિત રહેશે તથા આશીર્વાદ આપવા પ.પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાનો તરીકે જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, કલેકટર ડો. સૌરભ પારધી, ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગરના એડીશનલ કમિશનર શ્રી નારાયણ માધુ, જુનાગઢ રેન્જ  આઇ. જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર, જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને તા. ૧ર જાન્યુઆરી, સવારે ૧૧ વાગ્યે યોજનાર સમાપન સમારોહમાં મુખ્ય મહેમાનો તરીકે ગુજરાત રાજયના એનએસએસ સેલના રીજીયોનલ ડાયરેકટર તથા કેન્દ્ર સરકારના અધિકારી ગીરધર ઉપાધ્યાય, જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા, જુનાગઢના મ્યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા, જુનાગઢ જીલ્લાના એસ.પી., ડો. સૌરભ સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુરૂગોરક્ષનાથ આશ્રમ જુનાગઢના મહંત શેરનાથબાપુ આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે.

સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સાત દિવસનો એન. એેસ.એસ. નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ કદાચ સૌપ્રથમ વખત જુનાગઢના આંગણે યોજાતો હોય, જુનાગઢ માટે પણ ગૌરવવંતી ઘડી આવી પહોંચી છે.

કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના કુલસચિવ ડો. મયંક સોની, એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણી, ડો. વિશાલ જોષી, કો-કો ઓર્ડીનેટર ડો. અલ્કેશ વાછાણી, ડો. એમ. એમ. ચોચા સહિતના તમામ ટીચીંગ-નોનટીચીંગ સ્ટાફ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ એન. એસ. એસ. ઓફિસ આર. જે. માચ્છીનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે.

(3:34 pm IST)