Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં ડો. એ.એમ. પારખીયાની નિમણુંક

જૂનાગઢ, તા.૪:  કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બે નિવૃત વૈજ્ઞાનિકશ્રીઓ ડો. એ.એમ. પારખીયા અને ડો. કે.વી. પેથાણીની તા.૩૧ના રોજ ત્રણ વર્ષ માટે રાજય સરકારે નિમણુંક કરી. સ્વામિનારાયણ ગુરૂકુલ, રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત વિસ્તરણ શિક્ષણ  નિયામક અને ઈ/ચા. કુલસચિવશ્રી ડો. એ.એમ. પારખીયાએ ૧૯૭૭માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચરના સ્પેશ્યલાઈઝેશન સાથે સ્નાતકની પદવી પ્રથમવર્ગમાં હાંસલ કરી. તેમણે ૧૯૭૮ થી ૭૯ દરમ્યાન કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો અને વનસ્પતિ રોગશાસ્ત્ર ના મુખ્ય તથા કિટકશાસ્ત્રના ગૌણ વિષયમાં એમ.એસસી.ની પદવી પ્રથમ વર્ગમાં હાંસલ કરી. તે પછી તેમણે ૧૯૯૩માં ગુજરાત કૃષિ યુનિવર્સિટી (આણંદ) ખાતેથી પી.એચડી.ની ડીગ્રી ડીસટીકસશન સાથે પ્રાપ્ત કરી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં પ્રાઘ્યાપક અને વડા તેમજ ત્યારબાદ દસ વર્ષ સુધી વિસ્તરણ શિક્ષણ  નિયામક અને બે વર્ષ સુધી તેઓને કુલસચિવ તરીકે વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવેલ. ડો. એ.એમ. પારખીયાએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ પરિષદ, સંશોધન પરિષદ, બોર્ડ ઓફ સ્ટડીઝ અને એકેડેમીક કાઉન્સીલ તથા નિયામક મંડળના સભ્ય તરીકે પણ સેવાઓ બજાવી છે.  આ તજજ્ઞતા અને અનુભવ બદલ રાજય સરકારે તેમની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળના સભ્ય તરીકે વરણી કરી છે.

રાજય સરકાર દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં સદસ્ય તરીકે ડો. એ.એમ. પારખીયાની નિમણુંક થતાં જ્ઞાનજીવન સ્વામિ સહિતના સ્વામિનારાયણ ગુરૂકુલ તેમજ સ્વામિ નારાયણ મંદિરના સર્વે સંતો- મહંતોએ આર્શિવાદ આપ્યા હતા. તેમજ ડો. પારખીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં થયેલ નિમણુંકથી મેયર  ધીરુભાઈ ગોહિલ, પ્રદીપભાઈ ખીમાણી, કિરીટભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ / કર્મચારીશ્રીઓએ ડો. પારખીયાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ કૃષિ પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.

(3:30 pm IST)