Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

૪૧ પક્ષીઓને ગેરકાયદે ગોંધી રાખનાર મહિલા સહિત બે ઝડપાયા બાવળા તાલુકાના ધરજી ગામથી ૩૮ પક્ષીઓને મુકત કરી ૩ને સારવાર માટે ખસેડાયાઃ પક્ષીઓ વેચતા હોવાનો પર્દાફાશ

વઢવાણ,તા.૪: અમદાવાદ જિલ્લાના નળસરોવર પક્ષી અભ્યારણ્યના કાંઠાના વિસ્તારોમાંથી મોટાપાયે શીકારીઓ દ્વારા પક્ષીઓનો શીકાર કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે નળ સરોવર ફોરેસ્ટ વિભાગે બાવળા તાલુકાના નળકાંઠાના ધરજી ગામમાં ચેકીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન લીલાબેન ગંગાભાઈ પઢાર ઉ.વ.૫૦ રહે.ધરજીવાળાને કુલ ૩૬ પક્ષીઓ સાથે ઝડપી પાડયાં હતાં જયારે ૩૩ પક્ષીઓને મુકત કરવામાં આવ્યાં હતાં અને અન્ય ૩ દ્યાયલ પક્ષીઓને સારવાર અર્થે બોળકદેવ ખસેડાયા હતાં. તેમજ અન્ય આરોપી અજય ગટુરભાઈ સામતીયા ઉ.વ.૧૩ રહે.ધરજીવાળા પાસેથી કુલ ૫ પક્ષીઓ ઝડપી પાડયાં હતાં જે તમામને મુકત કરવામાં આવ્યં હતાં તેમજ બંન્ને આરોપીઓ સામે વન્યપ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી નાયબ વન સંરક્ષક ડો.ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન અધિકારી ડી.આર.મકવાણા, નરેશભાઈ પટેલ સહિત વન વિભાગનો સ્ટાફ અન્ય સ્ટાફ, એસઆરપી અને પોલીસની મદદથી સતત પેટ્રોલીંગ અને કાર્યવાહી હાથધરી અંદાજે ૫૦૦ કરતાં વધુ પક્ષીઓને મુકત કરવામાં આવ્યાં છે.

(1:10 pm IST)