Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઘોઘા ગામે બનશે ૭ કરોડ લીટર ક્ષમતાનો સી-વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ

દરીયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવામા આવશે

ભાવનગરઃ તા.૪, રાજય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ તેમજ નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે તેને સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સોર્સ ઉભો કરવા હેતુ ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરીયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળ સલામતિ પ્રદાન કરવા હેતુ વિવિધ સ્થળોએ સ્થાનિક જરૂરીયાત મુજબ દરીયાના પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટેના ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપુર્વ નિર્ણય ગુજરાત સરકારશ્રીએ કરેલ છે.

 દરિયાનું પાણી લેવામાં સુગમતા રહે તે પ્રમાણે જમીન દરિયાકાંઠાથી બને એટલી નજીક હોય, જમીન સરકારી ખરાબાની હોય, દરિયાકાંઠે મસ્ત્યોદ્યોગ તથા મીઠાના ઉત્પાદકોને તેમજ દરિયાઇ પરીવહનને અડચનરૂપ ન થાય, જમીન પરિવહન માટે સડકોની સુગમતા મળી રહે, પર્યાવરણીય પાસાઓને ઘ્યાને લઇ દરિયાઇ પર્યાવરણને ઓછામાં ઓછુ નુકશાન થાય, ડી-સેલીનેશન પ્લાન્ટને પાણી પુરવઠા ગ્રીડ સાથે જોડાણ કરી ડી-સેલીનેટ થયેલું પાણી પીવાના પાણી માટે જરૂરીયાત ધરાવતા વિસ્તારોમાં મોકલી શકાય વિગેરે મુદૃાઓને અનુસરીને અત્રેના જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુસરીને ઘોઘા તાલુકાના દરિયાકાંઠાના યોગ્ય સ્થળની જમીનની પસંદગી કરવામાં આવેલ.

 ત્યારબાદ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઘોઘા ગામે આવેલ દરિયાના પાણીનું સેમ્પલ મેળવી રજીસ્ટર્ડ લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ, બરવાળા  દ્વારા ઘોઘા ખાતે દરિયાના ખારા પાણીને મીઠુ કરી શુઘ્ધ પીવા લાયક બનાવવા માટે ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવાના આયોજન અનુસંધાને ઘોઘા ૭૦ એમ.એલ.ડી ક્ષમતાનો ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવા માટે માંગણી કરવામાં આવેલ. જે અન્વયે ઘોઘા તાલુકાના કુલ જમીન ૨,૨૧,૪૧૭ ચો.મી. ડી-સેલીનેશન પ્લાન્ટ બનાવવા માટે રાજય સરકારના નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તે સીનીયર મેનેજરશ્રી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડને નામે તબદીલ કરવાની કામગીરી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા  પૂર્ણ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટથી ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોના ગામ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

 સરકારશ્રી દ્વારા પ્લાન્ટ બાંધકામ અંતર્ગત પ્રતિ એમ.એલ.ડી. રૂ.૮-૦૦ કરોડનો ખર્ચ ગણી કુલ અંદાજીત ખર્ચ રૂ.૫૬૦-૦૦ કરોડમાં થાય છે. તે મુજબ પ્લાન્ટની ક્ષમતાના અંદાજે પ૦ ટકા ખર્ચ પેટે રૂ.ર૮૦-૦૦ કરોડની નાણાકીય ફાળવણી કરાયેલ છે.

(11:47 am IST)