Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

શાપર ઓવરબ્રીજ પર ડમ્પરે છકડાને ઠોકરે લેતાં જોડીયાના બાદનપરના કાળુભાઇ ભરવાડનું મોત

૪૧ વર્ષિય ભરવાડ યુવાન છકડો લઇ શાપર તરફ માલ ભરવા નીકળ્યો ને કાળ ભેટ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: શાપર વેરાવળના ઓવરબ્રીજ ઉપર રાત્રીના ડમ્પરે છકડો રિક્ષાને ઠોકરે ચડાવતાં છકડો ચાલક જોડીયાના બાદનપરના ભરવાડ યુવાનનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શાપરના ઓવરબ્રીજ પર રાત્રીના અકસ્માત સર્જાતા છકડો રિક્ષાના ચાલક આશરે ૪૦ થી ૪૨ વર્ષના યુવાનને ગંભીર ઇજા થતાં નેશનલ હાઇવે ઓથોરીટ ઓફ ઇન્ડિયાની એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તપાસ થતાં તેના વાલીવારસનો સંપર્ક થયો હતો. મૃત્યુ પામનાર યુવાનનું નામ કાળુભાઇ મછાભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.વ.૪૧) હોવાનું અને તે જોડીયાના બાદનપરના હોવાનું ખુલ્યું હતું. તે છકડો રિક્ષા લઇ માલ ભરવા જવાનું કહીને ગત સાંજે બાદનપરથી નીકળ્યા હતાં. રાત્રીના શાપરના પુલ ઉપર અકસ્માત નડ્યો હતો.

મૃત્યુ પામનર પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ખેતી મજૂરી તથા છકડાના ફેરા કરતાં હતાં. તેના મોતથી એક પુત્ર અને બે પુત્રી મળી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:21 am IST)