Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અમરેલી લીલાનગરમાં ભૂપત મારવાડી અને રિસામણે આવેલી બહેન પર હુમલો

ભાવનગરથી આવેલી નણંદને ચા પીવા બોલાવવા જતાં તેના સગા રાજૂ, ભગો, ગંગારામ, રૂપેશ, કાનો સહિતના તૂટી પડ્યાઃ ભૂપતને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૪: અમરેલીના લીલાનગરમાં રહેતાં અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતાં ભૂપત કાળુભાઇ રાઠોડ (ઉ.૨૦) નામના મારવાડી યુવાન અને ભાવનગરથી રિસામણે આવેલી તેની બહેન માયાબેન પર પડોશમાં જ રહેતાં તેના સગા મારવાડી રાજૂ, ભગા, ગંગારામ, રૂપેશ, કાનો સહિતનાએ ધોકા-પાઇપ-કુહાડી-છરીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં બંને ભાઇ બહેનને સારવાર માટે અમરેલી ખસેડાયા હતાં. જેમાં ભૂપતને વાંસામાં કુહાડીનો ઘા થયો હોઇ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભૂપત સાત ભાઇ અને બે બહેનમાં નાનો તથા કુંવારો છે. તેના ભાઇ વિક્રમે કહ્યા મુજબ અમારી બહેન માયાબેન ભાવનગર સાસરે છે અને હાલમાં તે રિસામણે આવી છે. બહેનની નણંદ સવિતા તેના સગા રાજુ મારવાડીને ત્યાં આવતાં અમારી બહેન તેને ચા-પાણી પીવા બોલાવવા જતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અમારી બહેનને તેની નણંદે પાટુ મારી પછાડી દીધી હતી તેમજ ઢીકા-પાટુ માર્યા હતાં. ત્યાં ભાઇ ભૂપત કામેથી આવતો હોઇ તે જોઇ જતાં બચાવવા વચ્ચે પડતાં તેને પણ રાજૂ સહિતનાએ હુમલો કરી ઘાયલ કર્યો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ અમરેલી પોલીસને જાણ કરી હતી.

(11:21 am IST)