Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ઝુપ્પડપટ્ટી ના બાળકો ને હોટલ માં પંજાબી ભોજન જમાડી નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી.

નવું વર્ષ ૨૦૨૦ શરૂ થયું તેની ઉજવણી અલગ અલગ પ્રકાર ના લોકો દ્વારા પોત પોતાની રીતે કરવામાં આવે છે. કોઈ ફરવા જાય છે તો કોઈ જમવાના પ્રોગ્રામ કરે છે તો કોઈ વળી સામુહિક ગેટ ટુ ગેધર એટલે સહ પરિવાર ભેગા મળીને એક સ્નેહ મિલન નું આયોજન કરે છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ ના રવાડે ચડી આજ નું યુવાધન રાત્રે પાર્ટી કરી શરાબ શબાબ ની મહેફિલ માળતી હોઈ છે. આ બધા ની વચ્ચે ચોટીલા ના યુવાનો દ્વારા નવા વર્ષ ની પ્રથમ સંધ્યા એ પ્રેરણાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાન અંતર્ગત ચોટીલા ના યુવાનો અને યુવતીઓ દ્વારા ચોટીલા ના ઝુપ્પડપટ્ટી માં રહેતા ૫૦ થી વધુ બાળકો ને ચોટીલા ની પ્રસિદ્ધ જય ભવાની હોટલ માં પંજાબી ભોજન જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોટીલા દુધેલી રોડ પર આવેલ મારવાડી વસાહત અને બાળાભોળા હનુમાન મંદિર પાસે ટેકરી પર ઝુંપડા બાંધી ને રહેતા સરાણીયા પરિવારો ના નાના નાના ભૂલકાઓને પોતાના વાહન માં લઇ આવી ટેબલ ખુરશી પર બેસાડી કાજુ મસાલા અને પનીર ભુરજી નું શાક, ચપાતી અને તંદુરી રોટલી, દાલફ્રાઈ અને જીરા રાઈસ,સલાડ,છાસ નું ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું. જ્યારે બાળકો ભોજન જમી રહ્યા હતા ત્યારે એમના મોઢા પર એક અનેરી ચમક જોવા મળી રહી હતી, કારણ કે આ એજ બાળકો હતા જે દરરોજ આવી હોટલ માંથી જમીને નીકળતા ધનિક લોકો પાસે વાટકો લઈને કાંઈક માંગતા હતા. આ બાળકો એ કોઈ દિવસ તંદુરી રોટલી ખાધી જ ના હોઈ એટલે તેઓ ઘઉં ની રોટલી જ ખાતા હતા. ત્યારે સંસ્થાના સભ્યો દ્વારા તેમને તંદુરી રોટલી વિશે સમજાવવામાં આવ્યા હતા, અને જીરા રાઈસ ને તેઓ ચોખા આપો ચોખા આપો કહીને માંગી રહ્યા હતા ત્યારે આખી હોટલ માં હાસ્ય નું મોજું ફરી વળ્યું હતું. આ તકે હોટલ ના માલિક બેચરભાઈ પરમારે પણ જાતે ભોજન પીરસી બધા જ બાળકો ને જમાડયા હતા. અને ભોજન બાદ સંસ્થા ના સભ્યો દ્વારા દરેક બાળકો ને પોત પોતાના ના ઘરે મુકવાની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સતકાર્ય નો તમામ ખર્ચ સંજયભાઈ લુંભાણી અને તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો અને વ્યવસ્થા નિમિત્ત માત્ર સેવા અભિયાન ના નિરાલીબેન ચૌહાણ,પાયલબેન મોરી,જ્યોતિબેન સીતાપરા,ફેઝલભાઈ વાળા,મોઇનખાન પઠાણ,બળદેવભાઇ કોરડીયા અને રામ-રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન પઠાણ,મેહુલભાઈ ખંધાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે સત્કર્મ સેવા ગ્રુપ ના ઉપ પ્રમુખ હિતેસભાઈ સરવૈયા અને ઋષભભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ફોટોગ્રાફી અને વિડિઓ શૂટીંગ સ્નેહા સ્ટુડિઓ ના પ્રકાશભાઈ વાઘેલા દ્વારા ફ્રી માં કરી આપવામાં આવ્યું હતું.

(11:16 am IST)