Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કચ્છના ધોરડોમાં ૧૧મીએ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

ભારત સહિત વિદેશોના પતંગ બાજો ભાગ લેવા આવશેઃ વિદેશોના પતંગ બાજોનું કચ્છી પરંપરા મુજબ ટ્રેડીશનલ પ્રોગ્રામમાં સ્વાગત કરાશેઃ ભુજ પ્રાંત મનીષ ગુરવાણીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં ટ્રાફિક ફાયર બ્રિગેડ સીકયુરીટી મેડીકલ સુવિધા માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાઇ

ભુજ,તા.૪: કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકારશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦નું ૧૧મી જાન્યુઆરી,૨૦૨૦ ના રોજ ધોરડો ખાતે આયોજન કરાયું છે.

ધોરડો ખાતે વિવિધ દેશોનાં અને ભારતનાં વિવિધ રાજયોનાં પતંગબાજો ભાગ લેશે. કચ્છના આંગણે થનારી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની તક પ્રાપ્ત થશે.

તાજેતરમાં ભુજ પ્રાંત મનીષ ગુરવાણીના અધ્યક્ષપદે ભુજ ખાતે પતંગ મહોત્સવના આયોજન અંગે મળેલી બેઠકમાં સંબંધિત વિભાગોને કામગીરીના આદેશો કરી દેવામાં આવ્યાં  છે. જેમાં કાઇટીસ્ટો માટેના સ્ટોલ, બેરીકેટિંગ, મંડપ, સાઉન્ડ સીસ્ટમ, બેઠક વ્યવસ્થા, ગ્રીન નેટ ફલોરીંગ, કાર્યક્રમ સ્થળે વેલકમ બેનર્સ, જરૂરી સાફસફાઇ થાય તે વ્યવસ્થા કરવા સહિત બેઠકમાં તમામ આનુષાંગિક કામગીરીની તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

બેઠકમાં વધુમાં પોલીસ વિભાગને પાર્કિંગ વ્યવસ્થા, સિકયોરિટી, ટ્રાફિક અંગેની વ્યવસ્થા સુનિશ્યિત કરવા સૂચના સાથે મહોત્સવ દરમિયાન ભુજ નગરપાલિકાને ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોઇલેટ વ્યવસ્થા અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, ભુજને પતંગ મહોત્સવ દરમિયાન સ્થળ ઉપર પ્રાથમિક સારવાર માટેની વાન તેમજ ૧૦૮ની બે વાન સ્થળ પર ઉપલબ્ધ રાખવા ભુજ પ્રાંત મનીષ ગુરવાણીએ સૂચનાઓ આપી હતી.

ધોરડો ખાતે કાઇટીસ્ટોનું કચ્છી પરંપરા મુજબ શાલથી સ્વાગત કરવા સાથે સ્થાનિક ટ્રેડીશનલ પ્રોગ્રામનું આયોજન કરવા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ ગ્રામ્ય મામલતદાર કલ્પેશ કોરડીયા, ગેઇમ્સના આર.એમ.ઓ. ડો. એચ.એન.કતીરા, ડીવાયએસપી ભાવસિંહ પારડીયા, પંચાયત માર્ગ-મકાન વિભાગના નાકાઇ બી.ડી.પ્રજાપતિ, ટીસીજીએલના યોગીતા મહેતા,નીરવ પટ્ટણી, ટુરીઝમના પ્રિયંકા જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:00 am IST)