Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વાંકાનેરના કેરાળામાંથી પસાર થતો રસ્તો બંધ થતા 12 ગામના લોકોની લડત :આત્મ વિલોપન પહેલા પાંચ લોકોની અટકાયત

સ્થળ પર રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે આઠથી વધુ ગામના લોકો ઉમટી પડ્યા

વાંકાનેરના કેરાળા ગામમાંથી પસાર થતો રસ્તો એક પરિવાર દ્વારા બંધ કરી દેવામાં આવતા ૧૨ ગામના ગ્રામજનો દ્વારા લડત ચાલવામાં આવી રહી હતી છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા અંતે પાંચ લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.જેમાં આજે પાંચ જેટલા લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેની પોલીસે ધોરણસરની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

   વાંકાનેરના કેરાળા ગામમાંથી પસાર થતો જાહેર માર્ગ એક પરિવાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય અને ઘણા સમયથી ૧૨ થી વધુ ગામના લોકો રસ્તો ખુલ્લો કરવા માટે લડત ચલાવી રહ્યા છે આ રસ્તો બંધ થતા ૧૨ ગામના લોકોએ મોટો રાઉન્ડ ફરવા જવું પડતું હોય જેથી પાંચ લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને પગલે આજે સ્થળ પર વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

  સ્થળ પર રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે આઠથી વધુ ગામના લોકો ઉમટી પડ્યા હતા અને બાદમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર તમામ પાંચ અરજદારો આત્મવિલોપન કરે તે પૂર્વે અટકાયતમાં લેવામાં આવ્યા હતા ગામના સરપંચ આ મામલે જણાવે છે કે રસ્તા મામલે લોકોમાં રોષ ફેલાયો છે અને આ રસ્તો અગાઉ મામલતદારે જ બંધ કર્યો હતો

 જોકે આસપાસના ગ્રામજનો આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી અડગ માંગ કરી રહ્યા છે તો વાંકાનેર સીટી પીઆઈએ તમામ પાંચ અરજદારો જેને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તેને અટકાયતમાં લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું 

(10:53 pm IST)