Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

જુનાગઢ ખાતે બસોના થપ્પા

જુનાગઢ ડીવીઝનની તમામ એસ.ટી. બસ બંધઃ મુસાફરો રઝળ્યા

જૂનાગઢ તા. ૪ : અગમચેતીના પગલારૂપે જુનાગઢ ડીવીઝનની તમામ એસ.ટી. રાતથી બંધ કરી દેવામાં આવી છે જેના પીરણામે મુસાફરો રઝળી પડયા છે.

મહારાષ્ટ્ર હિંસક બંધની જવાળા ગુજરાત સુધી પહોંચતા ગત રાત્રે ધોરાજી પાસે ઉપલેટા ડેપોની એસ.ટી. બસ રોકી અને મુસાફરોને ઉતારી ટોળાએ બસને સળગાવી મારી હતી.

આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને મુસાફરોની સલામતીના ભાગરૂપે ગત રાતથી નવો આદેશ ન થાય ત્યાં સુધી એસ.ટી.ના તમામ રૂટ બંધ રાખવા સુચના આપવામાં આવી છે અને તમામ બસને સલામત સ્થળે રોકી દેવાની પણ તાકીદ પણ કરવામાં આવી છે.

દરમિયાનમાં રાતના ૧૦ વાગ્યાથી જુનાગઢ વિભાગની તમામ બસ રોકી દેવામાં આવી છે.

એસ.ટી.ના સૂત્રોના જણાવ્યા મુજબ ગત રાતથી જ તમામ બસ બંધ કરી દેવાનો આદેશ મળતાની સાથે જુનાગઢ આવતી અને જતી તમામ બસને અહીં જ રોકી દેવામાં આવી છે.

રોકી દેવામાં આવેલી બસોને જુનાગઢમાં મોતીબાગ પાસે ડીવીઝન ખાતે રાખી દેવામાં આવી છે. એસ.ટી. વ્યવહાર બંધ રહેતા કડકડતી ઠંડીમાં હજારો મુસાફરો રઝળી પડયા છે.

(12:33 pm IST)