Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

જેતપુરના ૫૦ મુસાફરો ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસને અંબાજી ખાતે નડેલો અકસ્માત:તમામ મુસાફરો સુરક્ષિત:

૩ મુસાફરો અમદાવાદ સિવિલ અને ૧૧ મુસાફરો દાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા: મોરબીના ૮ અને જામનગરના ૧૨ પ્રવાસીઓને પરત પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ

રાજકોટ:જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા ૫૦ મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિસુડીયા ઘાટી પાસે   પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે જ્યારે સાત થી આઠ વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સાવ નજીવી ઈજા થયેલા મોરબીના ૮ અને જામનગરના ૧૨ પ્રવાસીઓને તેમના વતન પરત પહોંચાડવા માટે  બનાસકાંઠાના કલેક્ટર વરૂણ બરનવાલ તથા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને જામનગર અને મોરબીના કલેકટર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.

   આ અંગેની વધુ વિગતો મુજબ,પાલનપુર મોઢેરા હાઈવે પર અંબાજીથી ૧૨ કીમી દુર બસ નં. જી જે ૧૪ ટી ૦૫૭૪ નો અકસ્માત   થયો હતો. બસની બ્રેક ખરાબ થઈ જવાના લીધે ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ન લાગતાં ડીવાઈડર સાથે અથડાઈને બસ પલ્ટી ખાવાને લીધે આ અકસ્માત બનવા પામેલ  છે.કોઈ માનવમૃત્યુ હજુ સુધી નોંધાયેલ નથી. સામાન્ય ઈજા થયેલ તમામ મુસાફરોને તેમના વતન પર જ પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે

 

(9:50 pm IST)