Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જૂનાગઢની કહેવાતી લઠ્ઠાકાંડની ઘટના પૂર્વયોજીત હત્યા હતી !

આશીફ, ઈકબાલ શેખ, રફીકની પત્નિ સહિત ૫ને સકંજામાં લેતી જૂનાગઢ એલસીબી

રાજકોટ, તા. ૩ : ગત ૨૮મી તારીખે જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારૃ પીધા બાદ મૃત્યુ થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા લઠ્ઠાકાંડની ભીતિ ઉદ્દભવી હતી. સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો અને બોટાદ બાદ લઠ્ઠાકાંડથી વધુ એક ઘટના સર્જાતા પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપો થવા લાગતા સરકાર ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ લઠ્ઠાકાંડ નહિં પરંતુ પૂર્વયોજીત હત્યાકાંડ હોવાનું ખુલતા સનસનાટી મચી જવા પામી છે. જૂનાગઢ એલસીબીની ટીમે ડબલ મર્ડરની આ ઘટનામાં ભોગ બનનાર રફીક હસન ઘોઘારીની પત્નિ સહિત ૫ને સકંજામાં લઈ ઉંડી પૂછપરછ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ૨૮મીની રાત્રે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રફીક હસન ઘોઘારી અને ભરત છગન દરજી નામના બે રીક્ષા ચાલકોને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા અને થોડા સમયમાં બંનેના મૃત્યુ નિપજ્યા હતા. મોતને ભેટેલા રીક્ષાચાલકો પૈકી રફીક ઘોઘારી દારૃ પીવાની ટેવવાળો હોવાથી મોડી સાંજે બંનેએ સાથે દારૃ પીધા બાદ ઝેરી દારૃ હોવાના કારણે લઠ્ઠાકાંડ સર્જાયાની વાતો પૂર્વયોજીત કાવત્રામાં સંકળાયેલી વ્યકિતઓએ જ શરૃ કરી હતી અને થોડા સમયમાં માધ્યમોમાં પણ એ લઠ્ઠાકાંડ તરીકે ચમકી ગઈ હતી. જો કે જૂનાગઢ પોલીસે પ્રથમથી જ આ બનાવને અત્યંત ગંભીરતાથી લઈ વૈજ્ઞાનિક ઢબે તબક્કાવાર તપાસ આગળ ધપાવી હતી અને ગણતરીના દિવસોમાં જ લઠ્ઠાકાંડ નહિં પરંતુ બનાવ પૂર્વયોજીત હત્યાનો હોવાનું શોધી કાઢ્યુ હતું.

આ લખાય છે ત્યારે ભોગ બનનાર રીક્ષા ચાલક રફીક હસન ઘોઘારી અને ભરત છગન દરજીને દારૃમાં સાઈનાઈડ મેળવી પૂર્વયોજીત રીતે મોતને ઘાટ ઉતારી દેવાયાની કલમો હેઠળ પોલીસે રફીક હસન ઘોઘારીની પત્નિ, તેના આસીક આશીફ, ઈકબાલ આઝાદ ઉર્ફે ઈકબાલ શેખ સહિત ૫ને ઝડપી લીધા છે.

રીક્ષા ચાલક રફીક દારૃ પીવાની ટેવ ધરાવતો હતો અને આ કારણે પરિવારમાં કંકાસ થતી હતી. તેની પત્નિને રફીક દારૃ પી મારકૂટ કરે છે તેવી ફરીયાદ રફીકની પત્નિએ આશીફને કરી પોતાના લગ્ન જીવનમાંથી છૂટકારો મેળવવા અને નવુ જીવન આસીફ સાથે શરૃ કરવા માગતી હોવાનું આસીફને જણાવ્યુ હતું. બંને વચ્ચે મીઠા સંબંધો પાંગર્યા હતા. અંતે આ અનૈતિકતા પાછળ ડબલ મર્ડર જેવી ઘટના સર્જાઈ હતી. પોલીસમાંથી મળતી માહિતી મુજબ આસીફે રફીકનો રસ્તો કઈ રીતે કરવો ? તેની ચર્ચા પોતાના મિત્ર ઈકબાલ શેખ સાથે કરી હતી. ચર્ચાના અંતે ઈકબાલે રફીકનો રસ્તો કરવાનો આસાન રસ્તો શોધી કાઢ્યો હતો. રફીક હંમેશા પોતાની સાથે પોતાની રીક્ષામાં દારૃ રાખતો હતો. જેની જાણ રફીકને હતી. આ માહિતી તેણે ઈકબાલને પણ આપી હતી. ઈકબાલે રફીકના દારૃમાં સાઈનાઈડ ભેળવી પતાવી દેવાનું સુચવ્યુ હતું. એટલુ જ નહિં, જેતપુરથી સાઈનાઈડની વ્યવસ્થા પણ આસીક આસીફને કરી આપી હતી. બનાવના દિવસે રીક્ષા છોડી આડા અવળા થયેલા રફીક ઘોઘારીની રીક્ષામાંથી તેનો દારૃ શોધી કાઢી તેમાં સીફતપૂર્વક સાઈનાઈડ ભેળવી દીધુ હતું. દરરોજની ટેવ મુજબ રીક્ષામાં પડેલી બોટલમાંથી રફીકે સાંજે દારૃ પીધાની સાથે જ તેની વિપરીત અસરો રોજ કરતાં અલગ જોવા મળી હતી. તેણે સાથી રીક્ષાચાલક ભરત દરજીને જણાવ્યુ કે આજે કંઈક અલગ લાગે છે. દારૃના શોખીન ભરત દરજીએ કહ્યું છે નહિં, લાવ તારો દારૃ બે પેગ હું પણ મારૃ. ભરત દરજીએ પણ રફીકે પીધેલા દારૃની બોટલમાંથી દારૃ પીધો હતો અને બંને થોડી વારમાં તરફડવા લાગ્યા હતા. પાછળથી બંનેના મૃત્યુ થયા હતા. આ ઘટના હત્યાની હોવાનું બહાર આવી જતાં જૂનાગઢ પોલીસે હાશકારો લીધો છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.

(3:09 pm IST)