Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિસાવદર રેલ આંદોલનનો સુખાંત : એક મહિનામાં બધી જ મીટરગેજ ટ્રેનો ચાલું કરી દેવાશે : ધારાસભ્યની હાજરીમાં રેલ્વેનાં વરિષ્ઠ અધિકારીની લેખીત ખાત્રી : લોકોમાં હાશકારો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.3 : વિસાવદરમાં છેલ્લા ત્રણ દિવસથી ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે ચાલતા ઉપવાસ આંદોલનનો આજે વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાની ઉપસ્થિતમાં રેલ્વે અધિકારીએ એક મહિનામાં વિસાવદરને જોડતી બધી જ મીટર ગેજ ટ્રેનો શરૂ કરી આપવાની લેખીત ખાત્રી આપતા ઉપવાસીઓએ ધારાસભ્ય શ્રી રિબડીયા તથા રેલ્વે અધિકારી શ્રી મકવાણાનાં હસ્તે પારણા કર્યા હતા.

ધારાસભ્ય રિબડીયાની ઉપસ્થિતમાં ઉપવાસીઓને રેલ્વે અધિકારી (સીનીયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર,ભાવનગર પરા)એ ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબારને સંબોધન કરી આપેલ પત્રમાં જણાવ્યું છે કે,"મંડલ રેલ પ્રબંધકશ્રી તરફથી મળેલ સુચના અનુસાર આપની માંગણી મુજબની ટ્રેન આગામી એક મહિનામાં શરૂ કરવામાં આવશે.તા.4-12-21થી જૂનાગઢ-દેલવાડા ટ્રેન શરૂ થશે.તેમજ ત્યારબાદ એક મહિનામાં બાકી રહેલી ટ્રેન શરૂ કરવામાં આવશે જેની આપશ્રીને લેખિત બાહેંધરી આપવામાં આવે છે.તો રેલ પ્રસાશનને સહકાર આપી આપનુ આંદોલન પૂર્ણ કરવા વિનંતી" તેમ પત્રમાં લેખિત બાહેંધરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદર ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર,શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ,પેસેન્જર એસોશીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ,વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી,ભાજપ અગ્રણી હિંમતભાઇ દવે, જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય જીતુભાઇ રિબડીયા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો-કાર્યકરો છેલ્લા ત્રણ દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા.આજે સવારે ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા ઉપવાસી છાવણીની મુલાકાતે આવ્યા હતા અને ત્રણ જિલ્લા અને અઢાર તાલુકાના આ લોકપ્રશ્ને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કરી રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે લડાયક મુડમાં રજુઆત કરી હતી.જેથી રેલ્વે વિભાગ હરકતમાં આવ્યો હતો અને વરિષ્ઠ રેલ્વે અધિકારીને રૂબરૂ લેખીત બાહેંધરીની સુચના આપતા આખરે ઉપવાસીઓ સાથેની વાટાઘાટોને સફળતા સાંપડી હતી.

ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબારે આ લોક આંદોલનને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર તમામ સામાજિક-રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-આગેવાનો-કાર્યકરો સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે નોંધનિય છે કે,વિસાવદર તાલુકા પ્રત્યેનાં રેલ્વેનાં ઉપેક્ષાભર્યા વલણ સામે ચેમ્બર્સ પ્રમુખ દિલીપભાઇ કાનાબાર વર્ષોથી સતત લડત ચલાવી રહ્યા છે.

શનિવારે તા.4થી "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" અને એક મહિના દરમિયાન વિસાવદરને જોડતી તમામ મીટરગેજ ટ્રેનો શરૂ કરી દેવાશે એ શુભ સમાચારને વધાવી,લોકઆંદોલનની સફળતાથી સાર્વત્રિક હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી નગરજનોએ ખુશી મનાવી હતી.

(4:05 pm IST)