Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જુનાગઢમાં મેંદરડાના પ્રૌઢની જમીન પચાવી પાડી ૧૬ શખ્સોએ મકાન બનાવી લેતા ફરિયાદ

લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી ડીવાયએસપીશ્રી જાડેજા દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩ : જુનાગઢમાં  મેંદરડાના પ્રૌઢની જમીન પચાવી પાડી ૧૬ શખ્સોએ મકાન બનાવી લીધાની ફરિયાદ થતા પોલીસે તમામની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે મેંદરડા ખાતે ઓમનગર સોસાયટીમાં રહેતા જીવનભાઇ મોહનભાઇ તેરૈયા (ઉ.વ.પ૦) અને તેની સાથે લગત સીધી લીટી વારસદારોની માલિકીની મિલકત જમીન જુનાગઢમાં મજેવડી દરવાજા બહાર ખામધ્રોળ રોડ ખાતે સીટી સર્વેનો પ્લોટ નં. ૩૧-૩ર આવેલ છે.

પરંતુ મજીદખાન મહમદ રાઠોડ, હરજીભાઇ મુસાભાઇ શમા, હુસેન તમાસીભાઇ સાંધ, મહમદ અકતરભાઇ સિલાવટ, મહેબુબ સૈયદભાઇ કાશી, એહમસામ અલી કાદરી, જવાહર મેઘજીભાઇ ભાનુશાળી, નારમહમદ આસનભાઇ ઓઠા, પરમાણંદ મેઘજી ભાનુશાળી, વિનોદ મેઘજીભાઇ ભાનુશાલી અને ગુલમહમદ અલભા અબડા તેમજ અન્ય અજાણ્યા પાંચ શખ્સો તેરૈયા પરિવારની જમીન પર અલગ રીતે ગેરકાયદે કબજો કરી લીધેલ.

તેમજ આ શખ્સોએ મકાન બાંધી લઇ મિલ્કત જમીન ખાલી કરતા ન હોય. આથી ગત રાત્રે જીવનભાઇ તેરૈયાએ ફરિયાદ કરતા બી ડીવીજન પોલીસે તમામની સામે  ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ એકટ ર૦ર૦ની કલમ પાંચ (સી)(ડી) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ચલાવી રહયા છે.

(1:14 pm IST)