Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

પીજીવીસીએલ અમરેલી સર્કલ ઓફીસમાં સિકયુરીટી ગાર્ડ માટેની ટેન્ડર પ્રક્રિયામાં કોર્પોરેટ ઓફીસ રાજકોટની ગંભીર બેદરકારી, કાનુની નોટીસ પાઠવાઇ

(દિપ પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૩ :.. પીજીવીસીએલ અમરેલી સર્કલ ઓફીસમાં સીકયુરીટી ગાર્ડ માટેનું ટેન્ડર બહાર પડતા સાવરકુંડલાનાં લાયન સીકયુરીટી એજન્સીએ પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઇ નિયમાનુસાર ટેન્ડર ભરેલ, જે ટેન્ડરમાં અનુભવ અને ટર્ન ઓવરના પ્રમાણ પત્રને બદલે રાજયપાલ શ્રીનાં પરિપત્ર મુજબ ઉદયન રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ એમએસએમઇ- જોડેલ, જેથી રાજકોટ કોર્પોરેટર ઓફીસના અધિકારીઓ દ્વારા રાજયપાલશ્રીનાં પરિપત્રની અવગણના કરી રાજકોટ ઓફીસથી વડોદરા જીયુવીએનએલ ઓફીસ ઉપર ટેન્ડર મોકલેલ નહી, જેથી લાયન સિકયુરીટી આ ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર નીકળ જાય તેવી સ્થીતિ ઉભી થયેલ જેથી લાયન સીકયુરીટીના સંચાલકો દ્વારા પીજીવીસીએલના અમરેલી સર્કલ ઓફીસ અને રાજકોટ કોર્પોરેટર ઓફીસે રૂબરૂ રજૂઆત કરી રાજયપાલશ્રીએ નવા શરૂ થતાં ધંધા-ઉદ્યોગ અને સર્વિસીસ એજન્સીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉદયન રજીસ્ટ્રેશન સર્ટી. એમએસએમઇ ધરાવતા એકમોને વાર્ષિક ટર્ન ઓવર અને અનુભવનાં પ્રમાણ પત્રોમાંથી મુકતી આપેલ પરિપત્રની નકલો ઉપરાંત જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલીએ પણ ઉદ્યોગ અને ખાણ વિભાગનાં પરિપત્રનો આધાર પીજીવીસીએલ અમરેલીને આપી લાયન સીકયુરીટીને મળવા પાત્ર લાભ આપવા જણાવેલ, છતાં પણ રાજકોટ કોર્પોરેટ ઓફીસ દ્વારા કોઇપણ કારણસર સદરહુ સીકયુરીટી એજન્સીનું ટેન્ડર પ્રક્રિયાથી દુર રાખતા, નારાજ થઇ લાયન સિકયુરીટીના સંચાલકોએ વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યો પ્રતાપભાઇ દૂધાત, અમરીશભાઇ ડેર વગેરેને પોતાને થઇ રહેલા અન્યાયની રજૂઆત કરતા તેઓએ પણ અમરેલી પીજીવીસીએલ કચેરીને પત્ર લખી નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા લેખીત રજૂઆત કરેલી.

જો કે ત્યારબાદ પણ પોતાની એજન્સીનું ટેન્ડર રાજકોટ ઓફીસમાં જ અટકાવી રખાતા નારાજ થઇ પોતાનાં એડવોકેટ મારફત અમરેલી અને રાજકોટ પીજીવીસીએલ કચેરીને કાનુની નોટીસ આપી રાજકોટ કોર્પોરેટ ઓફીસ દ્વારા નીયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી.

આ બાબતે  બેદરકારી કે ક્ષતી રાખવામાં આવશે તો કાનુની કાર્યવાહી હાથ ધરવાની ચિમકી આપવામાં આવી છે.

લાયન સિકયુરીટીનાં સંચાલક અતુલભાઇ જાનીએ રાજકોટ કોર્પોરેટર ઓફીસ વિરૂધ્ધ ઇરાદાપૂર્વક ક્ષતિ અને બેદરકારીનાં આક્ષેપ કર્યા છે.

(1:13 pm IST)