Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વાદળા વિખેરાવા લાગ્યા : સૂર્યનારાયણના દર્શન : પાકને ભારે નુકસાન

ગારીયાધાર, ડેડાણ, રાજુલા, જાફરાબાદ, તળાજાને મીની વાવાઝોડાએ ધમરોળી નાખ્યા : કેળનો પાક જમીનદોસ્ત : પારો આજે નીચે ગયો : ઠંડી વધી ગઇ : સૌથી નીચુ તાપમાન રાજકોટ ૧૩.૭ ડીગ્રી : નલિયા ૧૨.૨ ડીગ્રી : અન્યત્ર ૧૪ થી ૧૭ ડીગ્રી

રાજકોટ તા. ૩ : બે દિ' માવઠાની અસર રહેવા સાથે મીની વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળી નાખ્યા બાદ આજે સવારથી વાદળા વિખેરાવા લાગ્યા છે અને સૂર્યનારાયણના દર્શન થવા લાગ્યા છે. જો કે હજુ અમુક વિસ્તારોમાં વાદળા છે અને ઠંડી યથાવત હોઇ લોકો ઠીંગરાઇ ગયા છે.

બીજી તરફ કમોસમી વરસાદના લીધે પાકને ભારે નુકસાન થયું છે. સર્વત્ર ધીરેધીરે નુકસાની બહાર આવી રહી છે. ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.

ગારીયાધાર, ડેડાણ, રાજુલા, જાફરાબાદ અને તળાજાને મીની વાવાઝોડાએ ધમરોળી નાખેલ. જેમાં તળાજા પંથકમાં કેળાનો પાક પણ જમીનદોસ્ત થઇ ગયો છે. જે મળતા અહેવાલો અહીં રજૂ છે.

ડેડાણ

ડેડાણમાં મંગળવારના સાંજના ૭ વાગ્યાથી વરસાદ શરૂ થતા બુધવારના આખો દિવસ અને મોડી રાત્રીના ૬૦ થી ૭૦ કિ.મી. પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. તેમાં પાકને મોટું નુકસાન થયું છે તેમાં મગફળી, કપાસ, જીરૂ અને ડુંગળીને સારૂ નુકસાન થયું છે. ખેતીમાં ઉભા પાક કપાસ, મગફળી, જીરૂ અને ડુંગળી જે ખેતરમાં ઉભા છે ત્યારે જ મીની વાવાઝોડુ વરસાદ સાથે આવતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર તાકીદે તપાસ કરીને ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી માંગણી ઉઠી છે. ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તાર રાયડી, જીવાપર, મુંજીયાસર, ત્રાકુડા, નિંગાળા, વાંગ્રધા, જામકા, નવા - જુના માલકનેસ સહિતના ગ્રામ્યમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને હાથમાં આવેલ કોળીયો જુટવાયો છે અને ખેડૂતોને વળતર મળે તેવી માંગ સાથે માંગણી કરી રહ્યા છે.

લોકો એકબીજાના સ્લેપવાળા મકાનનો આશરો લેવા લાગ્યા કારણ કે મે મહિનાના વાવાઝોડાની કળ ઉતરી નથી ત્યાં જ અતિ વરસાદ વરસ્યો તેમાં કાચા મકાનને સારૂ નુકસાન થયું ત્યાં જ ફરી ડીસેમ્બરની પહેલી તારીખની રાત્રે ૬૦ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદ શરૂ થયો ને લોકોને મે મહિનાનંુ વાવાઝોડુ યાદ આવ્યું કારણ કે તે વાવાઝોડાની નુકસાનનું સરકાર તરફથી મોટાભાગના લોકોને કોઇ જાતની સહાય મળી નથી. રાજ્ય સરકાર તરફથી ખાલી શાસકો ઘરે ઘરે લોકોને મળીને રૂપિયા ત્રણસો આપીને જતા રહ્યા અને મોટી મોટી વાતુ કરી કે તમારૂ મકાન સાવ પડી ગયું છે તો સરકાર તરફથી વળતર મળશે પરંતુ શાસકો કે સર્વે કરવા વાળા કોઇ જવાબ આપતા નથી તો રાજ્ય સરકારે જે વાવાઝોડામાં જે લોકોને નુકસાન થયું છે તેમને વળતરરૂપી સહાય મળવી જોઇએ તેવી માંગણી ઉઠી છે.

દરમિયાન આજે સવારથી ઠંડી વધી ગઇ છે અને સૌથી નીચુ તાપમાન રાજકોટ ૧૩.૭ ડીગ્રી રહ્યું છે. નલિયા ૧૨.૨ ડિગ્રી અને અન્યત્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ૧૪ થી ૧૭ ડીગ્રી તાપમાન રહ્યું છે.

(10:56 am IST)