Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિસાવદર રેલ આંદોલનને આંશિક સફળતા : ત્રણ મીટરગેજ ટ્રેનો પૈકી "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" સ્પેશિયલ ટ્રેન 4થી ડીસેમ્બરથી દોડશે : રેલ્વેની સત્તાવાર જાહેરાત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર:વિસાવદરમાં કોરોનાનાં કારણે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ કરાયેલ ત્રણ મીટરગેજ ટ્રેનો ત્વરિત ચાલુ કરવાની માંગ સાથે રેલ્વે સ્ટેશન સામે ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળે છેલ્લા બે દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ થયુ છે જેને આજે આંશિક સફળતા મળી રહ્યાનાં શુભ સમાચાર સાંપડી રહ્યા છે.ત્રણ મીટર ગેજ ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે રેલ્વે વિભાગ આગામી તા.4 ડીસેમ્બરથી "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" મીટરગેજ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી રહ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલ્વે - ભાવનગર વિભાગના વરિષ્ઠ  મંડલ વાણીજય પ્રબંધક માસુક અહેમદે જાહેર કર્યા મુજબ "યાત્રિયોની માંગ સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે તા.04 ડીસેમ્બર-2021થી પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનની જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ (09532/09531) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે.આ વિશેષ ટ્રેનનુ ભાડુ મેલ/એકસપ્રેસ ટ્રેનનાં સામાન્ય કોચના ભાડા જેટલુ જ રહેશે. ટ્રેન નં.09532 જૂનાગઢ-દેલવાડા સ્પેશિયલ જૂનાગઢ સ્ટેશનેથી દરરોજ સવારે 07:15 વાગ્યે ઉપડશે અને બપોરે 13:10 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે.તેવી જ રીતે પરતમાં ટ્રેન નં.09531 દેલવાડા-જૂનાગઢ દરરોજ 14:25 કલાકે દેલવાડા સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 20:20 કલાકે પહોંચશે.ઉપરોક્ત ટ્રેન બન્ને દિશામાં તોરણીયા,બિલખા,જૂની ચાવંડ,વિસાવદર,સતાધાર, કાંસિયાનેશ,સાસણ ગીર,ચિત્રાવડ,તાલાલા જંકશન, જંબુર,ગીર હડમતીયા,પ્રાચીરોડ,વેળાવદર,જામવાલા,હરમડીયા,ગીર ગઢડા અને ઉના સ્ટેશને ઉભી રહેશે.રેલ્વે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા,સામાજીક અંતરની પ્રેક્ટીસ રાખવા,સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન  વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને કોવીડ-19નાં તમામ પ્રોટોકોલનુ પાલન કરવા વિનંતી કરે છે" તેમ ઉપર મુજબ અક્ષરસ સત્તાવાર જાહેર કરાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગત તા.30નવેમ્બરનાં રોજ પશ્ચિમ રેલ્વેના ડીવીઝન રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયેલએ જૂનાગઢનાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાને એક લેખિત પત્ર પાઠવી જણાવેલ કે, "જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" મીટરગેજ ટ્રેન ચાલુ કરવા અંગેની વિધિવત્ મંજૂરી રેલ્વે બોર્ડ સમક્ષ માંગી છે જે મંજૂરી ત્વરીત મળવાની સંપૂર્ણ અપેક્ષા છે અને મંજૂરી મળ્યે તુરત જ ટ્રેન શરૂ કરાશે આમ સાંસદને ડીઆરએમએ આપેલી ખાત્રી પણ સાચી ઠરી છે.
અત્રે એ પણ નોંધનિય છે કે, વિસાવદરને જોડતી કોરોનાના ઓઠા તળે બંધ કરાયેલ ત્રણ મીટરગેજ ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિલીપભાઇ કાનાબાર,શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ લલિતભાઇ ભટ્ટ, પેસેન્જર એસોસીએશનનાં પ્રમુખ ઇલ્યાસભાઇ ભારમલ, વિશ્વ હિંદુ પરિષદનાં જે.પી.છતાણી,ભાજપ અગ્રણી હિંમતભાઇ દવે,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઇ ધીરૂભાઈ રિબડીયા અને વિવિધ ક્ષેત્રના આગેવાનો-કાર્યકરો 1લી ડીસેમ્બરથી રેલ્વે સ્ટેશન-વિસાવદર સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે જેને એક ટ્રેનરૂપી આંશિક સફળતા મળી છે,હજુ બાકી બે ટ્રેનો વિષે રેલ્વે કેવું વલણ દાખવે છે એ તરફ સૌની મીટ મંડાઇ છે.
"જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ" મીટરગેજ ટ્રેનને રેલ્વે "સ્પેશિયલ ટ્રેન"નાં સ્વરૂપે રજૂ કરે છે અને ભાડુ મેલ/એકસપ્રેસ ટ્રેનનાં સામાન્ય કોચના ભાડા જેટલુ જ વસુલવાની વાત રજુ કરે છે જેના પ્રજામાં કેવા પ્રત્યાઘાતો પડે છે એ પણ જોવુ રહ્યુ.
એકંદરે ડીઆરએમની સાંસદને ખાત્રી વચ્ચે શરૂ થયેલ આંદોલન ત્રણ મીટરગેજ ટ્રેનો ચાલું કરાવવાની માંગ સાથે આ લખાય રહ્યુ છે ત્યાં સુધીમાં હજુયે ચાલુ જ છે.

(7:30 pm IST)