Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

દિલ્હીમાં ખેડૂત આંદોલનના ટેકામાં કાલે મોરબીમાં માલધારી આગેવાનો દ્વારા ધરણા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : સરકારના ત્રણ કૃષિ બીલો કાળા કાયદા સમાન હોય જેથી ખેડૂતો દિલ્હી ખાતે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મોરબીના માલધારી અગ્રણીએ પણ આંદોલનને સમર્થન આપી શુક્રવારે એક દિવસના ધરણા કરશે.

મોરબી માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત મારફત જણાવ્યું છે કે ખેડૂતો દિલ્હીમાં વિશાલ આંદોલન ચલાવે છે ખેડૂતોના હક હિત માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે જેના પર અમાનુષી અત્યારચાર અને વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવાય છે સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી આંદોલનમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ખેડૂત પરિવારો લડત આપી રહ્યા છે ત્યારે ખેડૂત અને માલધારી એક જ છે માલધારી પરિવારો પણ ખેતી કરે છે જેથી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે અને સમર્થનના ભાગરૂપે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે તા. ૦૪ ને શુક્રવારે એક દિવસના ધરણા કરશે તેમ જણાવ્યું છે.

રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ચાલતી ન્યાયની લડાઈને કચડી નાખવા સરકાર પ્રયાસ કરે છે ત્યારે ગુજરાતના ખેડૂત સમાજની આગેવાની લેનાર કિસાન સંઘ અને તેના સુત્રધારો મૌન બેઠા છે. ગુજરાતના ખેડૂતો આંદોલનને ટેકો જાહેર કરેલ છે પણ આંદોલનમાં જોડાવવા ગયેલ નથી ત્યારે સ્વ. વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીને યાદ કરીને ગુજરાતના ખેડૂતોએ પણ લડતમાં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે સાથે જ કિસાન સંઘ શા માટે મૌન છે તે પણ ગુજરાતના ખેડૂતોએ સમજાવવું જોઈએ તેમ જણાવ્યું છે.

(12:49 pm IST)