Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મારામારીના કેસમાં ખેરાળીના ર યુવકની જામીન અરજી નામંજુર

વઢવાણ તા.૩ : ખેરાળીમાં રહેતો યુવાન તા. ૮ નવેમ્બરને રવિવારે બાઇક લઇને વાળ કપાવવા જતો હતો. ત્યારે ૨ યુવાનોએ તેના બાઇક સાથે બાઇક અથડાવી જાતી અપમાનિત કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ કેસમાં જેલમાં રહેલા બંને આરોપીઓએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. વઢવાણ તાલુકાના ખેરાળીમાં રહેતા ૩૧ વર્ષીય હર્ષદ ગણેશભાઇ ચાવડા પાણી પુરવઠામાં કરાર આધારિત નોકરી કરે છે.

તા. ૮ નવેમ્બરને રવિવારના રોજ સવારે તેઓ બાઇક લઇને વાળ કપાવવા જતા હતા. ત્યારે ગામના રિક્ષા સ્ટેન્ડ પાસે સામેથી આવતા લીમલીના વનરાજસિંહ જોરૂભા મસાણી અને દશરથસિંહ પ્રવીણસિંહ મસાણીએ હર્ષદભાઇના બાઇક સાથે ભટકાડી અકસ્માત કરી ગાળો આપી, માર મારી, જાતી અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંને શખ્સોની ૨૪ નવેમ્બરે જેલ હવાલે કર્યા હતા.

જેલમાં રહેલા બંને આરોપીઓએ સુરેન્દ્રનગરની પાંચમા એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી ચાલી જતા સરકારી વકીલ આર.બી.રાઓલે દલીલો કરી હતી. જેમાં કોર્ટે બંને આરોપીઓ સામે ગંભીર ગુનાનો આક્ષેપ હોવાનું જણાવ્યુ હતુ. આથી સુરેન્દ્રનગર પાંચમા એડિશનલ સેશન્સ જજ ડી.આર.સ્વામીનારાયણે બંને આરોપીઓ વનરાજસિંહ જોરૂભા મસાણી અને દશરથસિંહ પ્રવીણસિંહ મસાણીની રેગ્યુલર જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી હતી.

(11:24 am IST)