Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ભાવનગરના ટાણા ગામના વાડીના દરવાજે ઉભેલા ભાગીયાને કાર ચાલકે કચડી નાખતા મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૩ : ભાવનગર જિલ્લાના સિહોરના ટાણા ગામે ગત રાત્રીના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીના દરવાજે ઉભેલા ભાગીયા પોપટભાઈને એક બેકાબૂ બનેલી કારના ચાલકે કચડી નાખતા તેનું મોત નીપજયું હતું. જયારે કાર ચાલક અકસ્માત સર્જી કાર છોડી નાસી છૂટ્યો હતો.

 ટાણા ગામે રહેતા છગનભાઇ ઈટાલિયાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પોપટભાઈ કુંભાર કે જે રાત્રે રોડ પર આવેલી વાડીએ પાણી વાળવા ગયા હતા. જેમાં તે વાડીના દરવાજા પાસે ઉભા હતા. ત્યારે તેનો કાળ બનીને આવેલી એક સ્વીફ્ટ કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા તે વાડીના દરવાજા પાસે ઉભા પોપટભાઈને કચડી નાખ્યા હતા.આથી પોપટભાઈનું દ્યટનાસ્થળે જ મોત નીપજયું હતું. જયારે અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ પોપટભાઈના પરિવારજનોને થતા તે વાડીએ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જયારે આ દ્યટના બનતા લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)