Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના કહેરઃ કચ્છ-૨૮, મોરબી-૨૭, ભાવનગરમાં-૧૮ કેસ

મહામારીનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા : કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા તંત્ર દ્વારા કામગીરી

રાજકોટ તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના કેસમાં એકધારો વધારો થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે અને દરરોજ પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે.

તંત્ર દ્વારા પણ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને વધુ પ્રસરતો અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) કોરોના કહેર વચ્ચે કચ્છમાં ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા તંત્ર દ્વારા મૌખિક મનાઈ કરાઈ હોવાના મીડિયા અહેવાલો બાદ તંત્ર એ સ્પષ્ટતા કરી છે કે, ખાનગી લેબ દ્વારા ટેસ્ટ કરી શકાય છે, મનાઈ નથી. જોકે,પ્રવાસીઓ સિવાય લેબમાં ટેસ્ટ કરાતા નહોતા માત્ર સરકારી હોસ્પિટલમાં જ ટેસ્ટ કરાતા હતા. પણ, મોડે મોડે તંત્રએ અવઢવ દૂર કરી છે. દરમ્યાન કરછમાં કોરોના નો કહેર જારી છે, તો તંત્રની આંકડાઓની લુકાછુપીની રમત પણ જારી છે. નવા ૨૮ કેસ સાથે કુલ કેસ ૩૩૧૨, સાજા થનાર દરદીઓ ૨૯૬૪ હોવાનું જણાવાયું છે. મૃત્યુ આંક ૭૧ ઉપર સ્થિર છે. ભુજ શહેર અને તાલુકામાં કંટેન્મેન્ટ ઝોન ૨૫ જાહેર કરાયા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં કોરોનાના નવા ૨૭ કેસો નોંધાયા છે જયારે ૧૧ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૭ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ, ટંકારાના ૦૨ કેસ અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને જીલ્લામાં કુલ ૨૭ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૭૩૧ થયો છે જેમાં ૧૯૫ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૩૬૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામા વધુ ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૪૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૪  સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૨, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે ૧ તથા ઉમરાળા તાલુકાના પીપરલી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૬૦ કેસ પૈકી હાલ ૭૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૧૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:55 am IST)