Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પોરબંદર જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ ૨ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ

પોરબંદર ,તા.૩:ગુજરાત રાજયમાં માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર દ્યટાડવાનાં હેતુ થી આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્રારા રસીકરણથી વંચિત રહેલ ૦ થી ૨ વર્ષ નાં બાળકો તથા સગર્ભા માતાઓને ધનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ ગુજરાત રાજયનાં અન્ય જિલ્લાની સાથે સાથે  પોરબંદર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ રાઉન્ડ તા. ૯ ડિસેમ્બર સુધી  જિલ્લામાં ૩૫ જગ્યાએ યોજાશે.

ખાપટ આંગણવાડી કેન્દ્ર ખાતે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમમાં ફરજ બજાવતા ડો. રાજેશ્વરી ઓડેદરાએ કહ્યુ કે, જિલ્લામાં દુર્ગમ અંતરિયાળ વિસ્તારોમાં રસિકરણથી છુટી ગયેલા ૨વર્ષ સુધીના બાળકો તથા સર્ગભા બહેનોને શોધીને સદ્યન અભિયાન હાથ ધરીને રસીકરણથી એક પણ બાળક છુટી ન જાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્રારા રસીકરણ કરવામાં આવે છે.

મીશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત નવ બીમારીઓ જેમ કે, ડિપ્થેરીયા, કાલીખાસી, ટેટનસ, પોલીયો, ટીબી, ખસરા, રૂબેલા અને હેપેટાઇટીસ-બીનું રસીકરણ કરવામાં આવે છે. ખાપટ ગામમાં રહેતા રાધીકાબેન પરમાર પોતાનાં ૩ માસનાં પુત્ર સાગરને ઇન્દ્ર ધનુષ કાર્યક્રમમાં રસીકરણ માટે લઇ આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે, મારા પુત્રને રસી પીવડાવવાની બાકી હતી. આરોગ્ય કર્મચારીઓએ મને જાણ કરીને પુત્રને રસી પીવડાવવા કહ્યુ હતુ. હાલ મારા પુત્રને ઇન્દ્ર ધનુષ યોજના હેઠળ રસી પીવડાવવામાં આવતા હું ખુશી અનુભવુ છું.    

આ ખાસ ધનિષ્ઠ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારીઓ દ્રારા દ્યરે દ્યરે સર્વે કરીને ૦ થી ૨ વર્ષનાં રસીકરણથી વંચિત રહેલ અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા તમામ બાળકો તથા સગર્ભા માતાઓને રસીકરણ કરવામાં આવશે. તા. ૯ ડિસેમ્બર સુધી પ્રથમ રાઉન્ડ યોજાશે. તથા જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા માર્ચ ૨૦૨૦માં ૩ વધારાનાં રાઉન્ડ કરી તમામ બાળકો તથા સગર્ભા માતાને રસીકરણમાં આવરી લેવામાં આવશે.

પોરબંદર જિલ્લામાં કુલ ૩૫ જગ્યાએ પેરા મેડીકલ સ્ટાફ દ્રારા કુલ ૧૪૬, ૦ થી ૨ વર્ષનાં બાળકો તથા ૧૧ સગર્ભા માતાઓને રસીકરણની સેવા આપવામાં આવશે. તથા પોરબંદર શહેરમા  સુભાષનગર, કડિયા પ્લોટ તથા શીતલા ચોક તથા પેટા કેન્દ્રો  આંગણવાડી કેન્દ્રો ખાતે તા. ૯ ડિસેમ્બર સુધી ૨૪ જેટલા બાળકોને રસીકરણ કરવામાં આવશે.

(11:16 am IST)