Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

વાંકાનેરઃ ખેડૂતોની જેમ ગૌશાળા માટે રાહત પેકેજ જાહેર કરવા લલિતભાઇ મહેતા દ્વારા રજુઆત

વાંકાનેર તા.૩: રાજય સરકારે અતીવૃષ્ટિને લઇને ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યુ તેમ પાંજરાપોળ અને ગૌશાળા માટે પણ પેકેજ આપવા લલિતભાઇ મહેતા પુર્વ સાંસદએ માગણી કરી પશુપાલન મંત્રીને રજુઆત કરી છે.

તેમણે જણાવેલ કે પાછોતરા વરસાદથી ખેતરોમાં ભેજ છે માવઠાથી ઉભી જુવાર પડી ગઇ છે. ૧ વીઘે ૨૫૦ મણના પાકના બદલે માત્ર ૨૫-૩૦ મણ જ ઉતારો આવ્યો છે. માવઠાના વરસાદથી મગફળીના પાલા ચોપટ થઇ ગયા છે, જે પશુધનના ચારા માટે ઉપયોગી હોય છે.

મગફળીનો પાલો સામાન્ય પરિસ્થિતિમાં ૧૫૦૦/-માં મળે એ રૂ. ૩૦૦૦/-નો ભાવ ચાલે છે. બમણાંથી વધુ ભાવ હોવાથી ૧ પશુ નિભાવ ખર્ચ રૂ. ૩૫-૪૦ હોવો જોઇએ તેના બદલે રૂ. ૭૦-૭૫-૮૦ થઇ રહ્યો છે. લીલી જુવારનો પાક, મોટો ભાગ બગડી ગયો છે. લીલી જુવારની તીવ્ર ખેંચ છે તેથી સામાન્ય રીતે આ સીઝનમા રૂ. ૪૦ની ૧ મણ મળતી જુવાર રૂ. ૮૫-૯૦ની ૧ મણ મળે છે. ૧ પશુ માટેરોજની ૧૦ કિલો જુવારના રૂ. ૪૫ હતા સુકી કડબ ૩ કિલોના રૂ. ૩૦નો ખર્ચ થાય છે.

લીલી મકાઇનો પાક આવતા હજુ ર મહિના થશે. ફેબ્રુઆરી ૨૦૨૦માં લીલી મકાઇનો પાક આવવાની શરૂઆત થશે ત્યારે પણ ૧ મણ મકાઇના રૂ. ૮૦-૯૦ આસપાસ ભાવો હશે.

દરમ્યાન સુકી જવારની કડબ ૧ મણના રૂ. ૧૦૦ આસપાસ આ સીઝનમાં ભાવ રહેવા જોઇએ તે કડબ આજે રૂ. ૧૭૦થી રૂ.૨૦૦ ના ભાવે મળે છે. આમ પાંજરાપોળોનો પશુ નિભાવ ખર્ચ હાલ લગભગ બમણો થઇ ગયો છે. દરરોજ રૂ.૮૦નો ૧ પશુનો નિભાવખર્ચ થતાં પાંજરાપોળો-ગૌશાળાઓ તીવ્ર મુશ્કેલીમાં મુકાઇ છે.તેમ લલિતભાઇએ જણાવેલ છે.

(11:10 am IST)