Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જસદણના ચૂંટણી જંગમાં ભાજપની વધશે મુશ્કેલી:બાવળિયાને હરાવવા અવચર નાકિયાને ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મજબૂત ટેકો!

નાકિયા અગાઉથી ઈન્દ્રનીલના પસંદગીના ઉમેદવાર :તેમને ટિકિટ મળે તો જંગમાં જીત મેળવવાની ખાતરી

રાજકોટ: જસદણ વિધાનસભા ચૂંટણીના જંગમાં ગુરૂ-ચેલા તરીકે ઓળખાતા કુંવરજીભાઇ બાવળીયા અને અવચર નાકિયા સામસામે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે ત્યારે કુંવરજી બાવળીયાથી નારાજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષ સાથે છેડો ફાડી ચુક્યા હોવા છતાં નાકિયાની પડખે આવી ગયા છે અને બાવળિયાને હરાવવા અવચર નાકિયાની મદદ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

   ચર્ચાતી વિગત મુજબ હાઇ કમાન્ડ દ્વારા બંધબારણે જસદણના જંગની જવાબદારી રાજ્યગુરૂને સોંપવામાં આવી હોવાનું અને અવચર નાકિયાની પસંદગી તેમના ઈશારે કરવામાં આવી છે .

  ચર્ચાતી વિગત મુજબ આ જંગમાં બાવળીયાનો સામનો કરવા માટે અવચર નાકિયા અગાઉથી ઈન્દ્રનીલના પસંદગીના ઉમેદવાર હતા અને તેમને ટિકિટ મળે તો આ જંગમાં જીત મેળવવાની ખાતરી તેમણે પ્રદેશ નેતાગીરીને આપી હતી. અગાઉ પણ જસદણ વીંછીયા પંથકમાં ઈન્દ્રનીલ અને નાકિયા અવારનવાર સાથે જોવા મળ્યા હતા. અને દરમિયાન રાજયગુરૂની સાયકલ યાત્રામાં પણ નાકિયાએ તમામ જરૂરી વ્યવસ્થા કરી આપી હતી.

  અત્રે ઉલ્લેખનીય છેકે કુંવરજીભાઈથી નારાજ થઇને જ ઈન્દ્રનીલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

  ચર્ચાતી વિગત મુજબ કુંવરજીભાઈને  હરાવવા માટે છેલ્લા એક મહિનાથી ઈન્દ્રનીલભાઈએ  જસદણ પંથકમાં ધામા નાખ્યા છે. તેમજ આગામી 20 દિવસ સુધી અવચર નાકિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ચૂંટણી પ્રચારમાં સાથે રહેવાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 છેલ્લા એક મહિનામાં અવચર નાકિયા રાજ્યગુરૂ સાથે જસદણના એક-એક ગામડાઓમાં જઈને મહેનત કરી ચુક્યા છે. આમ કુંવરજી પોતાનો પ્રચાર શરૂ કરે તે પહેલાં જ ઈન્દ્રનીલ-નાકિયાએ પ્રચારનો એક રાઉન્ડ પૂર્ણ કરી લીધો છે. અને હવે તેઓ બીજા રાઉન્ડના પ્રચારની શરૂઆત કરશે.

(9:20 pm IST)