Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જામનગરમાં વસતા લોહાણા સમાજ માટે મંગલા ચરણ યોજના

જામનગર લોહાણા સમાજની બેટી બચાવવા અનોખી પહેલઃ પુત્રીના જન્મ સમયેરૂ.૧૧૧૧ ની રકમ સાથે સન્માનીત કરાશે

જામનગર તા.૩: જામનગર લોહાણા સમાજમાં દિકરીઓના જન્મના વધામણાં કરવા અને એ રીતે લક્ષ્મી તુલ્ય ગણાતી બેટીને બચાવવાના ધ્યેયને ફળીભૂત કરવામાં સમાજનાં લોકોનો સહકાર મળે તેવા ઉમદા હેતુથી સમાજના જ માનદમંત્રી અને રઘુવંશી સેવા ગ્રુપના સંયોજક રમેશભાઇ દતાણી દ્વારા તેઓના માતૃશ્રીના નામ ગં.સ્વ. મંગળાબેન વિઠ્ઠલદાસ દતાણીના નામને જોડીને શ્રી જામનગર લોહાણા મહાજનના હોદેદાર પ્રમુખશ્રી જીતેન્દ્રભાઇ લાલ, ઉપપ્રમુખશ્રી કિરણભાઇ માધવાણી, ખજાનચીશ્રી અરવિંદભાઇ પાબારી, ઓડિટરશ્રી હરેશભાઇ રાયઠઠ્ઠા જામનગર લોહાણા મહાજનના સહકારથી પ્રેરણાદાયી યોજના અમલમાં મુકી છે.

જામનગર શહેરમાં વસતા લોહાણા જ્ઞાતિના કુટુંબો માટે ''મંગલા ચરણ યોજના'' શરૂ કરવામાં આવી છે. આ પ્રેરણાદાયી યોજના અંગે તેઓએ જણાવ્યું છે કે જામનગર શહેરમાં વસતા કોઇપણ લોહાણા પરિવારમાં તા. ૧૫-૧૦-૨૦૧૮ થી પુત્રીનો જન્મ થાય એટલે તેને રૂ. ૧,૧૧૧ની રોકડ રકમ આપી સન્માનિત કરાય છે. આ રકમ ભલે નાની હોય પરંતુ દિકરીના જન્મના વધામણાં કરી પ્રોત્સાહન આપવાની દિશામાં આ પ્રથમ પગલું પાયારૂપ બનશે જેના ઉપર ભવિષ્યમાં અન્ય લોકોના સહકારથી ઇમારત ઊભી થઇ શકશે.

પુત્રી જન્મના વધામણાં કરવાથી સ્ત્રી હત્યાનું દુષણ પણ અટકાવવામાં મદદ મળશે અને તુલસી કયારા સમી દિકરીને ઉછેરવા માટે સમાજના પરિવારો પ્રોત્સાહિત થવાની સાથોસાથ ગૌરવ અનુભવશે.

રૂ.૧,૧૧૧ની રોકડ રકમ કરતા પણ મહત્વનું છે આ પરિવારને લેમિનેટેડ સર્ટીફિકેટ આપી સન્માનિત કરવાનું કાર્ય પુત્રી જન્મ થયેલ હોય તે પરિવારને ''મંગલા ચરણ યોજના'' ના નામથી સન્માનપત્ર પણ અપાય છે.

શ્રી રઘુવંશી સેવા ગ્રુપ લોહાણા સમાજ માટે ભવિષયમાં અન્ય સેવાકીય પ્રકલ્પો પદ લોહાણા સમાજના સહકારથી લાવવા વિચારે છે. આ વિચારનો વિસ્તાર કરવા માટે જામનગર શહેરમાં વસતા લોહાણા જ્ઞાતિજનોને અનુરોધ કરાયો છે કે જ્ઞાતિના જે પરિવારમાં પુત્રીનો જન્મ થાય તો તેની આ સંસ્થાનો (જામનગર લોહાણા મહાજન, પંચેશ્વર ટાવર પાસે, જામનગર ફોન નં. ૨૬૭૯૪૬૮) જાણ કરવા અપીલ કરાઇ છે. ''મંગલા ચરણ યોજના'' ના પ્રથમ દિકરી ધ્વીષા હિરેનભાઇ સોમેૈયા અને નિરાલી પારસભાઇ હિંડોચાને તેમને ઘરે જઇ ઢોલ વગાડી દિકરીને સન્માન કરવામાં આવેલ આ કાર્યમાં જસ્મીનબેન દતાણી, રીદ્ધિબેન કારીયા, રીચાબેન કાતર, મીતલબેન મજીઠીયા, દિલીપભાઇ મજીઠીયા, જેન્તીભાઇ સામાણી, પિયુષભાઇ મજીઠીયાના હસ્તે મંગલા ચરણ યોજનાનું કવર, સર્ટીફિકેટ તેમજ દિકરીને ચાંદલો કરી સ્વાગત ફુલોથી વધાવેલ.(૧.૧)

(12:04 pm IST)