Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

જસદણ પેટા ચૂંટણીમાં હવે કોળી V/S કોળીનો જંગ

થોડા-ઘણા અસંતોષ વચ્ચે કોંગ્રેસમાંથી અવસરભાઇ નાકિયા (કોળી)એે જાહેરસભા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

આટકોટ તા.૩: જસદણ -વીંછીયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસે કર્યો ઉમેદવાર ઉતારવો તેની લાંબી ઇંતેજારી બાદ ગઇકાલે પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષનાં નેતાની હાજરીમાં જસદણ ખાતે કોંગ્રેસના કાર્યાલયથી અવસરભાઇ નાકિયા (કોળી)ની જાહેરાતથી થોડા ઘણા અસંતોષ વચ્ચે આજે રાજયનાં કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનોની હાજરીમાં અવસરભાઇ ઉમેદવારી પત્ર ભરશે.

ગઇકાલે જસદણના આટકોટ રોડ ઉપર જી.આઇ.ડી.સી. ખાતે ભાજપના જ પૂર્વ શહેર પ્રમુખ અને હાલ કોંગ્રેસમાં ભળેલા ગજેન્દ્રભાઇ રામાણીના કારખાને ઉભા કરાયેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીની હાજરીમાં અવસરભાઇની જાહેરાત કરતા તાલુકાભરમા છેલ્લા અઠવાડીયાથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયાની જાહેરાત બાદ અવસરભાઇ મોડીરાત્રે ચોટીલા પાસે આવેલ પીપળીયા ગામે તેમના કુળદેવીમાતાના દર્શને પહોંચી ગયા હતા ત્યારબાદ વ્હેલી સવારે તેમના વતન આસલપુર આવી રામજી મંદિરે દર્શન કરી તેમની માતાના આશીર્વાદ લીધા હતાં બાદમાં જસદણ જતાં પહેલા તેમની પુત્રીએ તેમને વિજય તિલક કયુંર્ હતુ બાદમાં જસદણ-વિંછીયા પંથકમાં આસ્થાનું પ્રતિક ગણાતા અમરાપુર ખાતે આવેલ સતરંગની જગ્યાએ દર્શન કરી જસદણ આવી પહોંચ્યા હતાં.

જસદણ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતમાં જાહેર સભા યોજાઇ હતી જેમાં કોંગ્રેસના ટોચના આગેવાનોએ ભાજપ સરકારની નીતીરીતિની જાટકણી કાઢી ગઇકાલે જ બનેલા લોકરક્ષકનાં પેપર લીક થયાનાં બનાવની ટીકા કરી હતી. આગેવાનોએ કુંવરજીભાઇ પણ પોતાના અંગત સ્વાર્થ અને હીત ખાતર ભાજપમાં જોડાયાનું પણ જણાવ્યું હતું.

આજે ફોર્મ ભરતા પહેલા યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત-ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, લલીત વસોયા, લલીત કગથરા, બ્રીજેશ મેરજા, જે. વી. કાકડીયા, પરેશ દૂધાત, પુંજાભાઇ વંશ, વિરજી ઠુંમર, ઋત્વીક મકવાણા, ભોળાભાઇ ગોહીલ, મહમદ જાવેદ પીરજાદા, અર્જુન ખાટરીયા, મહેશ રાજપૂત રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિત સ્થાનીક આગેવાનો હોદેદારો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ ચૂંટણી જીતવા બંને પક્ષો મરણીયા બની એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે પણ બહુમતી કોળી મતદારોને આકર્ષવા કોળી ઉમેદવારને મેદાનમાં ઉતારતા જસદણના આ જંગ કોળી વીથ કોળી બની ગયો છે જો કે પાટીદાર અને અન્ય સમાજનાં મતો પણ ખૂબજ હોય હાલ આ ચૂંટણીનાં જીતની દાવેદારી બન્ને પક્ષો દ્વારા થઇ રહી છે. (૧.૧૪)

 

(11:58 am IST)