Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઉતરાખંડમાં નવરાજયોની નવ મહિલા યુથ આઇકોન એવોર્ડમાં જામનગરના સમાજસેવી સહારા મકવાણાનું વિશિષ્ટ સન્માન

જામનગર તા.૩ : ઉતરાખંડના દહેરાદુનમાં તાજેતરમાં દેશભરના નવ રાજયોમાંથી વિભિન્ન ક્ષેત્રે ઉલ્લેખનીય સેવા કાર્યો કરનારી નવ મહિલાઓને સન્માનીત કરવા માટેનો યુથ આઇકોન એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાંથી એક માત્ર જામનગરના સમાજ સેવાની પ્રવૃતિઓ સાથે જોડાયેલા સહારા મકવાણાનું પણ યુથ આઇકોન એવોર્ડ આપીને વિશેષ બહુમાન કર્યુ હતુ. જેમણે જામનગર અને સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે. દેશભરના નવરાજયોની નારી શકિત સમાન નવ નારીઓને યુથ આઇકોન એવોર્ડના નવ સાલ બેમિશાલ શિર્ષક હેઠળ એક જ મંચ પરથી વિશિષ્ટ એવોર્ડ એનાયત કરી સન્માનીત કરાયા હતા.

દહેરાદુનમાં તાજેતરમાં યુવા પ્રતિભાઓને સન્માનીત કરવા માટેના યુથ આઇકોન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. છેલ્લા આઠ વર્ષથી યોજાતા આ યુથ આઇકોન એવોર્ડ સમારોહમાં આ વર્ષે નવમાં વર્ષે નવ સાલ બેમિશાલ શિર્ષક હેઠળ દેશભરના જમ્મુ કાશ્મીર, હરિયાણા, હિમાચલપ્રદેશ, ગુજરાત, દિલ્હી, ઉતર પ્રદેશ, ઉતરાખંડ અને મહારાષ્ટ્ર સહિત નવ રાજયોની નવ મહિલાઓને સન્માનીત કરવા માટેનો વિશેષ યુથ આઇકોન એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.

સમારોહમાં સમગ્ર ગુજરાતભરમાંથી એકમાત્ર જામનગર શહેરના પૂર્વ નગરસેવીકા અને શહેર જીલ્લાની અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા સેવાભાવી મહિલા અને સૌપ્રથમ મહિલા બિલ્ડર એન્ડ ડેવલોપર્સ સહારા મકવાણાની પસંદગી ઉતારવામાં આવી હતી અને ઉપરોકત યુથ આઇકોન એવોર્ડ સમારોહમાં ઉતરાખંડના નાણામંત્રી પ્રકાશપંચ અને કૃષિમંત્રી સુબોધ ઉનિયાલના હસ્તે એવોર્ડ એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યુ હતુ. જેમને એવોર્ડ પ્રાપ્ત કરી જામનગર શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે.

યુથ આઇકોન એવોર્ડ સમારોહ સંસ્થા ફાઉન્ડર શશીભુષણ મેઘાણી અને ચેરમેન ડોે.આર.કે.જૈન દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય નવ રાજયોની નવ પ્રતિભાશાળી નારીઓના સન્માન ઉપરાંત અન્ય વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારી પ્રતિભાઓનું પણ બહુમાન કરાયુ હતુ. સાથોસાથ જૂદા જૂદા સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહેમાનો અને આમંત્રીતોને મંત્રમુગ્ધ કરાયા હતા. જામનગર શહેરમાં અનેક સેવાકીય સંસ્થામાં રહીને સેવાકાર્યો કરતા અને પ્રથમ મહિલા બિલ્ડર એન્ડ ડેવલોપર્સ તરીકે પ્રસ્થાપિત થયેલા લેડીઝ ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મહિલા બેંકના ડાયરેકટર સહારા મકવાણાનું વિશિષ્ટ બહુમાનથી સારાહ મકવાણાના પરિવાર તેમજ વિશાળ મિત્ર વર્તુળ અને સ્નેહીજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. આ સમારોહમાં જામનગરથી યુથ આઇકોન એવોર્ડ ગુજરાત ચેમ્પ્ટરના ચેમ્બર ઉપેન્દ્ર અંથવાલ તેમજ અંજલીબેન અંથવાલ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:54 am IST)