Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભુજમાં વનવિભાગને ઘાસ વાવવાની કામગીરી ઉપાડી લેવા કલેકટરનો નિર્દેશ

ખેડૂતોને વધુમાં વધુ લીલો ચારો ઉગાડવા પ્રોત્સાહીત કરાશે

ભુજ, તા.૩: ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં  વન વિભાગને જંગલ વિસ્તારની જમીનો, રખાલોમાં ઘાસચારા વાવેતરની કામગીરી સવેળા ઉપાડી લેવા નિર્દેશ આપીને ખેડૂતો, સંસ્થાકીય તેમજ કંપનીઓ દ્વારા લીલોચારો ઉગાડવાના કાર્યોને ઝડપી અને વધુ સુચારૂ બનાવવા મુદ્દે સલગ્ન વિભાગોને સાંકળી લઇ જરૂરી બાબતો અંગેનો પરિપત્ર કરીને કમિટિ બનાવી મોનીટરીંગ કરાશે, તેવો પણ સંકેત આપ્યો હતો.

રાજય સરકાર દ્વારા ૬ હજાર બિયારણ કીટ ઉપરાંત વધારાની પ હજાર કીટ અપાતાં તેનું વિતરણ કરાઇ રહયું હોવાનું અને સરહદ ડેરી દ્વારા ૭ હજાર કીટ, સર્વસેવા સંદ્ય દ્વારા પણ રપ હજાર કીલો બિયારણ મંગાવીને તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોને  વધુને વધુ લીલી ચારો ઉગાડવા પ્રોત્સાહિત કરવા સિંચાઇ-પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમના પાણી તથા કુવાઓમાં  સાફ-સફાઇ સાથે પાણીની સુવિધા માટે પણ બેઠકમાં ભાર મૂકાયો હતો.

કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ પણ કચ્છમાં અછતની પરિસ્થિતને ધ્યાનમાં લઇ પાંજરાપોળોને અને ગૌશાળાઓને મફત બિયારણ અપાશે તેમ જણાવી પાણીની ઉપલબ્ધી વધારવા સાથે  શ્રી તારાચંદભાઈ છેડાએ કોટેશ્વર ગૌશાળાનો દ્યાસચારા વાવેતર માટે સંપર્ક સ્થાપવા અને માંડવી-મુંદરા વિસ્તારના કેટલાંક ગામોમાં રાહત ભાવે મળતા ઘાસચારાની ફરિયાદોનું નિવારણ કરવા બેઠકમાં જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ બન્ની-પચ્છમ વિસ્તારને ઘાસચારાની આપૂર્તિ વધારવા બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી.

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે ચાંદ્રાણીમાં આસપાસના પશુપાલકો માટે ઘાસડેપોની જરૂરિયાત દર્શાવી શરૂ કરવા રજૂઆત કરી હતી. ગૌશાળાના પ્રતિનિધિ ભરતભાઈ સોંદરવાએ સબસીડીના ચૂકવણા પર ભાર મૂકયો હતો.

માલધારી પ્રતિનિધશ્રી મીયાં હુસેન મુતવાએ બન્ની વિસ્તારના ગામોમાં એગ્રો સેલ દ્વારા પશુઓને અપાતાં પોષ્ટીક ખાણદાણની વિગતો આપી હતી. જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ અને સમિતિના આમંત્રિત સભ્ય શ્રી જીવાભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.

અધિક કલેકટર કે.એસ.ઝાલાએ બેઠકના વિવિધ મુદ્દાઓની રૂપરેખા આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, અબડાસા પ્રાંત ડી.એ. ઝાલા, નખત્રાણા પ્રાંત શ્રી જી.કે.રાઠોડ, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, પશુપાલન વિભાગના ડો. બ્રહ્મક્ષત્રિય, પાણી પુરવઠા વિભાગના એલ.જે.ફફલ, પી.એ.સોલંકી, સિંચાઇના વિભાગના શ્રી સોનકેસરીયા સહિતના પીજીવીસીએલ, ખેતીવાડી સહિત સલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)