Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ધોરાજી - ઉપલેટા વિસ્તારમાં સસ્તા અનાજનો જથ્થો સમયસર નહી અપાઈ તો નવા વર્ષથી આમરણાંત ઉપવાસઃ લલિતભાઇ વસોયા

સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ગરીબોના ચૂલા નહી સળગેઃ (ધારાસભ્ય)નો આક્રોશ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૩:  જનહિત માટે આંદોલન કરવા જાણીતા નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સસ્તા અનાજનાં પુરવઠા વિતરણ મામલે ફરી એકવાર આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે.

ધારાસભ્ય લલીત વસોયાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સરકારની ઘોર બેદરકારીના કારણે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં રહેતા ગરીબો અને ગરીબી રેખા હેઠળ જીવતા હજારો લોકો સુદ્યી ઓકટોબર મહિનાનો સસ્તા અનાજનો જથ્થો મળ્યો નથી. પુરવઠા વિભાગે મહિનો પૂર્ણ થવાના બે દીવસ બાકી રહ્યાં ત્યારે જથ્થો મોકલ્યો હતો.

સસ્તા અનાજનો જથ્થો મોડો મળતાં આ જથ્થા નુ વિતરણ સમયસર થઈ શકયું નથી. અને સરકારના નિયમ મુજબ ચાલું માસનો પુરવઠો આગલા મહિને ફાળવી ન શકાય.

આથી ઓકટોબર મહિનાનો પુરવઠો એક તારીખ બાદ વિતરણ કરવાં મામલે રજુઆત કરવામાં આવી છે.

જો સરકાર દ્વારા દિવાળી સમયે ગરીબ પરિવારોને અનાજ થી વંચિત રેહવું પડશે કે એક તારીખ બાદ વિતરણ કરવા નિર્ણય નહી લેવામાં આવે તો નવા વર્ષના પ્રથમ દીવસથી પ્રાંત અધિકારી કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવા ચીમકી ઉચ્ચારી હતી. મધ્યમ અને ગરીબ પરિવારોને સમયસર સસ્તા અનાજનો લાભ નહી મળતાં વંચિત અને લાભાર્થી પરિવારોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે.

(12:46 pm IST)