Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગોંડલ અને વિંછીયા પંથકમાંથી બે હથિયારો સાથે પકડાયેલ ચાર શખ્‍સોના રીમાન્‍ડ મંગાશે

રૂરલ એસઓજીએ ગોંડલમાંથી સાવંત ચૌહાણ, ઉત્‍સવ ગોહિલ, વિશાલ મોરી અને વિંછીયામાંથી કૃષ્‍ણરાજસિંહ ઝાલાને બે પિસ્‍ટલ અને કાર્ટિસ સાથે દબોચી લીધા

તસ્‍વીરમાં હથીયાર સાથે પકડાયેલ ચારેય શખ્‍સો (નીચે બેઠેલા) તથા રૂરલ એસઓજીનો કાફલો અને બે હથિયાર નજરે પડે છે
રાજકોટ, તા. ૩ :. રૂરલ એસઓજીએ ગોંડલ અને વિંછીયા પંથકમાંથી હથીયારોની હેરાફેરીમાં પકડેલ બે શખ્‍સોને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
દિપાવલીના પર્વમાં ગેરકાયદેસર હથીયારો રાખતા અને હેરાફરી કરતા ઈસમો પર વોચ રાખી ગેરકાયદેસર હથીયારના ગુનાઓ શોધી કાઢવા રૂરલ એસપી બલરામ મીણાએ આપેલ સૂચના અન્‍વયે રૂરલ એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ એચ.એમ. રાણા તથા જી.જે. ઝાલાની ટીમ ગોંડલ પંથકમાં પેટ્રોલીંગમા હતા ત્‍યારે રૂરલ એસઓજીના એએસઆઈ ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હેડ કોન્‍સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્‍દ્રભાઈ ચાવડા, હિતેશભાઈ અગ્રવાત, અમિતભાઈ કનેરીયા તથા પો.કો. રણજીતભાઈ ધાધલને મળેલ સંયુકત બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદેસર હથીયાર સાથે સાવંત શિવરાજભાઈ ચૌહાણ રે. ગોંડલ તથા તેના ભાગીદાર ઉત્‍સવ મહેન્‍દ્રભાઈ ગોહેલ રહે. ગોંડલ તથા હથીયાર લેવા આવેલ વિશાલ પ્રતાપભાઈ મોરી રહે. ગીરદેવડી ગામ તા. કોડીનારને દબોચી લીધા હતા. આ ત્રણેયની પૂછપરછ કરતા આ હથીયારની હેરાફેરીમાં કૃષ્‍ણરાજસિંહ ઉર્ફે કાનભા રાજેન્‍દ્રસિંહ ઝાલા રહે. નાગનેશ, તા. રાણપુર, જિલ્લો બોટાદની સંડોવણી ખુલતા એસઓજીની એક ટીમે વિંછીયા પંથકમાં રેડ કરી કૃષ્‍ણરાજસિંહને વધુ એક હથીયાર સાથે દબોચી લીધો હતો.
રૂરલ એસઓજીની ટીમે ઉકત ચારેય શખ્‍સોને દેશી બનાવટની બે પિસ્‍તોલ, કાર્ટિસ નંગ ૪ તથા એક બાઈક અને પાંચ મોબાઈલ મળી કુલ ૧.૨૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઈ પરવેઝભાઈ સમા, હેડ કોન્‍સ. અમિતભાઈ કનેરીયા, પો.કો. વિજયગીરી ગોસ્‍વામી, દિલીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.


 

(11:44 am IST)