Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિવાળી પર્વ ઉજવાશેઃ ફટાકડા તો ફટફટ ફૂટશે

કાળીચૌદશ નિમિતે કાળ ભૈરવદાદાનું પૂજન-અર્ચનઃ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દિપાવલી તહેવારને ઉજવવા માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે દિવાળી પર્વ ભવ્‍યતાથી ઉજવાશે. આજે કાળીચૌદશના દિવસે કાળભૈરવદાદાની પુજાનું વિશષ મહત્‍વ રહેલુ છે. અને ભાવિકો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવી રહયું છે.
દિવાળીના એક દિવસ પહેલાં કાળીચૌદશનો તહેવાર ઉજવવામાં આવે છે. જેને નરક ચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. માન્‍યતા છે કે, આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુકિત મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે યમ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ પર્વ નરકાસુર અને રાજાબલી સાથે પણ જોડાયેલું છે. આ વખતે આ પર્વ ૩ નવેમ્‍બર, બુધવારે સવારે ૯.૦૩ કલાક પછી શરૂ થઇ રહ્યો છે. પુરાણો પ્રમાણે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉબટન, તેલ વગેરે લગાવીને સ્‍નાન કરવું જોઇએ.
વિષ્‍ણુ પુરાણમાં નરકાસુરના વધની કથા છે. દ્વાપર યુગમાં ભૂમિ દેવીએ એક ક્રુર પુત્રને જન્‍મ આપ્‍યો. અસુર હોવાથી તેનું નામ નરકાસુર પડયું. તે પ્રાગજયોતિષપુરનો રાજા બન્‍યો. તેણે દેવતાઓ અને મનુષ્‍યોને ખૂબ જ પરેશાન કર્યા. સોળ હજાર અપ્‍સરાઓને નરકાસુરે કેદ કરી લીધી ત્‍યારબાદ ઇન્‍દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન કૃષ્‍ણએ અત્‍યાચારી નરકાસુરની નગર ઉપર આક્રમણ કર્યુ. યુધ્‍ધમાં તેમણે મુર, હયગ્રીવ અને પંચજન જેવા રાક્ષસોને માર્યા ત્‍યારે નરકાસુરે હાથીનું સ્‍વરૂપ ધારણ કરીને આક્રમણ કર્યુ આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથીએ શ્રી કૃષ્‍ણએ નરકાસુરનો વધ કર્યો. ત્‍યારબાદ અપ્‍સરાઓ અને અન્‍ય લોકોને કેદમાંથી છોડાવ્‍યાં. એટલા માટે પણ આ તહેવાર ઉજવાય છે. એટલે આ તહેવારનું નામ નરક ચૌદશ પડયું છે.
કાળીચૌદશે સાંજે દક્ષિણ દિશામાં યમરાજ માટે ચૌમુખો દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે.
આસો મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસને નરક ચૌદશ એટલે કહેવામાં આવે છે કેમ કે, આ દિવસે અકાળ મૃત્‍યુથી બચવા અને સારા સ્‍વાસ્‍થ્‍ય માટે યમરાજની પ્રાર્થના કરવામાં આવે છે. યમ, ધર્મરાજ, મૃત્‍યુ, અન્‍તક, વૈનસ્‍વત, કાળ, સર્વભૂતક્ષય, ઔદુમ્‍બર, દગ્‍ધ, નીલ, પરમેષ્‍ઠી વૃકોદર, ચિત્ર અને ચિત્રગુપ્ત નામથી પ્રણામ કરવું જોઇએ. આવું કરવાથી લાંબી ઉમર પ્રાપ્ત થાય છે.
કાલે દિવાળી પર્વ નિમિતે ફટાકડા ફટફટ ફુટશે. અને રાત્રીના મોડે સુધી સૌ કોઇ દિપાવલી પર્વની ઉજવણી કરશે.
કાલે દિવાળીના દિવસે પૂજન-અર્ચન બાદ રાત્રીના સમયે અબાલ, વૃધ્‍ધ સૌ કોઇ ફટાકડા ફોડવાનો આનંદ માણશે.
શુક્રવારે નૂતનવર્ષના દિવસે નવા વર્ષની એકબીજાને શુભેચ્‍છા પાઠવવામાં આવશે અને વડીલોના આર્શિવાદ લેશે.
શનીવારે ભાઇબીજની ઉજવણી કરવામાં આવશે અને બહેનના ઘરે ભાઇ ભોજન લે છે અને યથાશકિત બહેનને ભેટ પણ અર્પણ કરે છે.

 

(11:36 am IST)