Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

મહા' ની અસર તળે કચ્છમાં માવઠું- ક્યાંક ધોધમાર બે થી ત્રણ ઇંચ, તો ક્યાંક મીની વંટોળીયા સાથે ઝાપટા, પાક ધોવાતા ખેડૂતો બેહાલ

ઉખેડા માં મંદિર ઉપર, ભુજમાં પ્રમુખસ્વામીનગરમાં ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડી. રવિવારે મહાની અસરમાં નરમાઇ પણ ગરમી વધી

(ભુજ) મહા વાવાઝોડાની અસર સમગ્ર કચ્છમાં વરતાઈ છે. ગઈકાલ સાંજથી વાતાવરણમાં આવેલા બદલાવની અસર હજીયે અનુભવાઈ રહી છે. કારતકમાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે. ગઈ કાલે મોડી સાંજ પછી પૂર્વ કચ્છના રાપર વાગડથી માંડીને પશ્ચિમ કચ્છના છેક છેવાડાના લખપત, અબડાસા તાલુકા સુધી વરસાદી માહોલ જામ્યો હતો. રાપરના બાલાસર, જાટાવાડામાં જાણે વાદળ ફાટ્યું હોય તેમ ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા. વરસાદના રૌદ્ર રૂપે લોકોને ડરાવી દીધા હતા. રાપર અને આજુબાજુ ઝાપટાં પડ્યા હતા. અબડાસાના નલિયા, કોઠારા, લખપતના દયાપર, માતાના મઢ, ગાંધીધામ, કંડલા વિસ્તારમાં મીની વંટોળ સાથે દોઢેક ઇંચ વરસાદ પડી ગયો હતો. મુન્દ્રામાં સુસવાટા મારતા પવનો વચ્ચે સામાન્ય ઝાપટા પડ્યા હતા. પણ બદલાયેલા માહોલ અને કાળા વાદળો સાથે પવનની વધેલી ઝડપે લોકોને ડરાવી દીધા હતા. સાવચેતીના પગલાં રૂપે મુન્દ્રા બંદરે ૨ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હોઈ માછીમારો પણ બોટ સાથે કિનારે આવી ગયા હતા. વરસાદની અસર ભુજમાં ઝાપટા સ્વરૂપે તો નજીકના પદ્ધર, ભુજોડી, કુકમા અને માધાપર વચ્ચે ધુંવાધાર ત્રણ ઇંચ જેવો વરસાદ પડતાં એક તબક્કે તો વરસાદના જોરના કારણે હાઇવે ઉપરનો ટ્રાફિક પણ ઠપ્પ થઈ ગયો હતો. લખપત તાલુકાના બરંદા, કોટડા, માતાના મઢ, દયાપર માં બે થી અઢી વરસાદ ખાબક્યો હતો. અબડાસાના નલિયા, કોઠારા વિસ્તારમાં પણ ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં નેત્રા, ખોંભડી, વિથોણ, નિરોણા વિસ્તારમાં ક્યાંક એક ઇંચ, ક્યાંક દોઢ થી બે ઇંચ વરસાદે લોકોને ચોમાસાનો અહેસાસ કરવી દીધો હતો. નખત્રાણાના ઉખેડા ગામે મંદિર પર વીજળી પડી હતી. તો, ભુજના પ્રમુખસ્વામી નગરમાં ૧૧ કેવીના ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી. કચ્છમાં તીડ પછી વરસાદે ખેડૂતોના પાકનો સફાયો બોલાવી દીધો છે. બાગાયતી દાડમ, સફરજન સહિતના પાકો તેમ જ એરંડા, કપાસ, મગફળી અને અન્ય પાકો ધોવાઈ ગયા છે. ત્રણ વર્ષ સૂકો દુષ્કાળ અને હવે લીલો દુષ્કાળ પડતાં કચ્છના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. જોકે, રવિવારે મહાની અસર ઘટી છે. પણ, ગરમી વધી છે.

(12:49 pm IST)