Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પૂ. મોરારીબાપુના હસ્તે કલ્પવૃક્ષ પુસ્તકનું વિમોચન

ભાવનગર-ઈશ્વરીયા, તા. ૩ :. 'આ કથા કેવળ વાર્તા કે ઈતિહાસ નથી પરંતુ મારા અને તમારા જીવનનું દર્શન છે. રામાયણના તત્વજ્ઞાનને પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. રામકથામાં આરંભમાં સંશય, મધ્યમાં સમાધાન અને અંતમાં જીવની રાઘવ પ્રત્યેની શરણાગતિ છે. આ પુસ્તકમાં આપણા સૌના જીવનમાં આવતી સમસ્યાઓનું પૂર્ણ સમાધાન સમાયેલ છે અને એમ કરતા કરતા અંતે જે પામવાનું છે તે ઈશ્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે' તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતું.

પૂ. બાપુની જુદી જુદી રામકથાઓમાં બાપુ દ્વારા વ્યકત થયેલ વિચારોને સંકલિત કરી અમદાવાદથી પ્રસિદ્ધ થતા 'નવગુજરાત સમય'માં દર અઠવાડિયે પ્રસ્તુત કરવામાં આવે છે. જેનું 'કલ્પવૃક્ષ' સ્વરૂપે સંકલન વ્યાસપીઠને અત્રે અર્પણ કરવામાં આવે છે. આ પુસ્તકની પ્રથમ આવૃતિ માર્ચ ૨૦૧૮ હનુમાન જયંતિના રોજ થઈ હતી. ૬ મહિનાના ટૂંકા સમયમાં બીજી આવૃતિ વ્યાસપીઠને અર્પણ થઈ રહી છે. જેનુ સંકલન જયદેવભાઈ માંકડે કર્યુ છે. પ્રકાશનઃ શ્રી ચંદ્રમૌલી એમ. શાહ, અરૂણોદય પ્રકાશન, ગાંધી રોડ અમદાવાદ છે. કૈલાસ ગુરૂકુળના સાધુકુમારોએ આ પુસ્તક વ્યાસપીઠને અર્પણ કર્યુ હતું.

(12:01 pm IST)