Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

જસદણ પાલિકાના ભાજપના સભ્યનું ભાજપના જ પુર્વ સભ્ય દ્વારા અપહરણ થયાનું નાટક ભજવાયુ

પહેલા સામાન્ય સભામાં ભલામણ હોવાથી હાજર ન રહ્યા બાદમાં તેમના જુથના આગેવાનોના દબાણથી અપહરણનું સોગંદનામુ ચીફ ઓફિસરને રજૂ કર્યુ

આટકોટ તા. ૩ :.. જસદણ પાલિકાનું રાજકારણ દિવસે - દિવસે જુથ વાદને લીધે બગડતુ જાય છે ત્યારે બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભામાં ભાજપના સદસ્ય કેતન લાડોલાએ પ્રથમ ગેરહાજર રહી બાદ નોટરી પાસે સોગંદનામુ કરી પાલીકાના જ પુર્વ સદસ્ય દ્વારા અપહરણ થયાનું કહેતા જસદણમાં ભારે ચર્ચા જગાવી છે.

આ અંગે જસદણ પાલિકાના ભાજપના સદસ્ય કેતન લાડોલાએ સોગંદનામામાં જણાવ્યા મુજબ પાલિકાની સામાન્ય સભા હતી ત્યારે હર્ષદભાઇ ગોવિંદભાઇ, પોપટભાઇ કટેશીયા અને પાલિકાના પુર્વ સદસ્ય અને હાલના મહિલા સદસ્યના પતિ પંકન દેવશંકરભાઇ ચાંવ સહિતનાએ મારો મોબાઇલ ફોન લઇ અને તેને બંધ કરી મને કહયું કે છાનોમાનો અહીથી જતો રહે. તારે સામાન્ય  સભામાં ગેરહાજર રહેવાનું છે મે ના પાડતા પંકજભાઇ ચાંવ અને હર્ષદભાઇ કટેશીયાએ મને ધમકી મારી કહયું કે તુ નહી જા તો તને સભ્યપદેથી સસ્પેન્ડ કરી તારી વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરી તને કોર્ટના ધક્કા ખવડાવીશું.

આમ છતાં મે ના પાડતા પંકજ ચાંવ અને હર્ષદ કટેશીયા મને અપશબ્દો કહી હર્ષદ મને બાઇક પાછળ બેસાડી ઉપાડી ગયા હતાં. અને પહેલા છત્રી બજારમાં હેર કટીંગ સલુનની દુકાને બેસાડી દીધેલ.

ત્યારબાદ પંકજના નાનાભાઇ વિપુલની આરામ ગૃહ પાસે આવેલ ઇલેકટ્રીકની દુકાને ગોંધી રાખી બેસાડી દીધો હતો આ દરમિયાન સતત પંકજભાઇ સાથે ફોનમાં વાત કરતા હતાં.

જસદણ પાલિકાની સામાન્ય સભા જેવી પુરી થઇ કે મને હર્ષદ પાલિકાએ બાઇક ઉપર લઇ ગયા હતા જયાં અગાઉથી વર્તમાન પ્રમુખ જીજ્ઞેશ હિરપરા ચીફ ઓફીસરની ચેમ્બરમાં મારા નામનો મેડીકલ રીપોર્ટ બનાવીને બેઠા હતાં.

હુ તા. ૧-૧૧ ના રોજ કોઇ ડોકટરને બતાવવા ગયો ન હોવા છતાં હુ સામાન્ય સભામાં હાજર નહી રહી શકુ તેવુ ખોટુ નિવેદન પંકજ ચાંવ, હર્ષદ કટેશીયા અને પ્રમુખ જીજ્ઞેશ હીરપરાએ બપોરે ૧ર.૩૦ વાગ્યે લખાવી લીધુ હતું.

મે પુછયુ કે મારી સાથે આવુ શું કામ કરો છો ત્યારે મને આ બધાએ કહયું કે બોરવેલ કૌભાંડ અને બીન ખેતીનું જે કૌંભાડ છે. તેની તમો તપાસ કરાવવાના છો તે માટે આવુ કર્યુ છે.

અંતમાં તેમણે જણાવ્યુ છે કે મારી મરજી વિરૂધ્ધ સામાન્ય સભામાંથી મને ઉપાડી જઇ મને ગેરહાજર રખાયેલ હોય તા. ૧-૧ ના રોજ મળેલ સામાન્ય સભાનું જનરલ બોર્ડનાં મંજૂર કરવા તરફેણમાં મારો મત આપુ છું.

ઉલ્લેખનીય છે કે જસદણ પાલિકામાં હાલ ભાજપના જ વર્તમાન પ્રમુખ અને ભુતપુર્વ પ્રમુખ વચ્ચે બે જૂથ પડી ગયા હોય બંને તરફી સભ્યોની ખેંચતાણ ચાલી રહી હોય બહુમતી પુરવાર કરવા આ સોગંદનામા રૂપી નાટક ભજવાયુ છે.

આ અંગે વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરાને પુછતા તેમણે જણાવ્યું હતું કે પાલિકાની સામાન્ય સભા દરમિયાન અંદર અને બહાર પુરતો પોલીસ બંદોબસ્ત હતો જો કેતન લાડોલાનું અપહરણ થયુ હોય તો તેમણે રાડારાડ કરી હોત તો પોલીસ તુરંત જ આ બનાવ અટકાવી દેત પરંતુ કેતન લાડોલા ગેરહાજર રહ્યા હોય અને પાછળથી સામેના જૂથના દબાણથી આ અપહરણનો સોગંદરૂપી નાટક કરવામાં આવ્યું છે.

આ બનાવે જસદણમાં હાલ ભારે ચર્ચા જગાવી છે.

અપહરણનાં બનાવની પોલીસમાં જાણ ન કરતાં અનેક તર્કવિતર્ક

આટકોટ તા. ૩ :.. જસદણ પાલિકાના વોર્ડ નં. ૧ ના ભાજપનાં સભ્ય કેતન લાડોલા દ્વારા અપહરણનું સોગંદનામું રજૂ કરાયુ તેની જાણ પોલીસને ન કરતાં આ સોગંદનામાં સામે અનેક પ્રશ્નો સર્જાયા છે.

ગત તા. ૧ ના રોજ જસદણ પાલિકાની  સામાન્ય સભા હતી જેથી પાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

કેતન લાડોલાએ પાલિકાનાં ગ્રાઉન્ડમાંથી જ અપહરણ થયાનું સોગંદનામામાં જણાવ્યું છે જો ખરેખર આમ થયું જ હોય તો તેમણે રાડા-રાડ કરી બધાનું ધ્યાન કેમ ન ખેંચ્યું.

આ ઉપરાંત આ સોગંદનામામાં અપહરણ થયાનું ખુલ્લે આમ જણાવ્યું હોવા છતાં આ સોગંદનામું માત્ર ચીફ ઓફીસરને જ કેમ આપ્યું ? પોલીસમાં કેમ ફરીયાદ ન કરી ? આવા અનેક પ્રશ્નો જસદણની પ્રજાનાં મનમાં જાગ્યા છે.

જો કે હાલ જસદણ પાલિકામાં ભાજપ  ના જ બે જૂથો સામ-સામા હોય બહુમતી પુરવાર કરવા કેતન લાડોલા પાસે સોગંદનામુ કરાવ્યુ હોવાની ચર્ચા જાગી છે.

ગઇકાલે જસદણમાં પાલિકાનાં સદસ્યો વચ્ચે સંકલન જળવાઇ રહે તે માટે ભાજપની નેતાગીરીએ સાંજે મીટીંગ બોલાવી હતી તેમાં દરેક સભ્યોને આવા ખોટા  નાટકો બંધ કરી પ્રજાહિતનાં કાર્યોમાં લાગી જવા તાકીદ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. (પ-૧૭)

(11:40 am IST)