Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભાવનગરના યુવાનને ચાલુ ટ્રેને ધક્કો મારી મોત નિપજાવવા અંગે મુખ્ય આરોપીને ૭ વર્ષની સજા

ટ્રેનમાં મોબાઇલ વગાડવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં: અન્ય ત્રણ મહિલા અને એક શખ્સને ત્રણ-ત્રણ વર્ષની સજા અને દંડનો હુકમ

ભાવનગર, તા. ૩: ભાવનગર નજીકના સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે રહેતા યુવાનને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારતા અને યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજતા ત્રણ મહિલા અને એક સગીરા સહિત પાંચ વ્યકિતઓ સામે ઇ.પી.કો. ૩૦ર સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી મુખ્ય આરોપીને ૭ વર્ષની જયારે અન્ય આરોપીઓને ૩ વર્ષની કેદની સજા ફટકારી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૪/૩/ર૦૧૬ના રોજ આ કામના આરોપીઓ (૧) ઇકબાલ સુલેમાન સિપાઇ (.વ.૩ર), (ર) સુગ્રાબેન ઇકબાલભાઇ સિપાઇ (૩) હમિદાબેન ગુલાબભાઇ સિપાઇ (૪) રેશમાબેન શાહરૂખભાઇ સિપાઇ (પ) હબીબભાઇ ઉંમરભાઇ સિપાઇ (ઉ.વ.૮૦), (તમામ રહે. સરવર ટોકીઝ પાસે, શેરી નં. પ, સુરેન્દ્રનગર) નામના વ્યકિતઓ ભાવનગર ધ્રાંગધ્રા લોકલ ટ્રેનમાં જનરલ કોચમાં આવતા હતા તે સમયે સદર ટ્રેનમાં સદર કોચમાં શાહેદ ગેમાભાઇ ડાયાભાઇ તથા શાહેદ ઘનશ્યામ કલ્યાણભાઇ તેમજ ગુજરનાર લક્ષ્મણભાઇ ડાંગર (ઉ.વ.ર૧) વિગેરે ટ્રેનમાં આવી રહ્યા હતાં તે વખતે શાહેદ ગેમાભાઇનો કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા તેની આગળની શીટના ભાગે ઝઘડો થતા અને અવાજ આવતા તેઓ સદર જગ્યાએ ગયેલા ત્યાં ગુજરનાર લક્ષ્મણભાઇ ડાંગરને ચાર સ્ત્રીઓ તથા બે પુરૂષોએ ઢીકાપાટુનો માર મારેલો. સદર ગુજરનાર લક્ષ્મણ સાથે મોબાઇલ ફોન બાબતે સદર ચાર સ્ત્રીઓ તથા બે પુરૂષો વચ્ચે લડાઇ ઝઘડો થયેલો ત્યારબાદ લક્ષ્મણને સણોસરા રેલ્વે સ્ટેશને ઉતરવાનું હતું તેમ છતાં ઉકત ચાર સ્ત્રીઓ તથા બે પુરૂષોએ તેને ટ્રેનમાંથી ઉતરવા દીધેલ નહીં અને સણોસરાથી ટ્રેન ઉપડયા બાદ અને ટ્રેન સ્પીડ પકડતા ઉકત ચાર સ્ત્રીઓ તથા બે પુરૂષોએ ગુજરનાર લક્ષ્મણભાઇને માર મારી ટ્રેનના ડબ્બાની બહાર ધક્કો મારી નીચે પાડી દીધેલ જેમાં ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મણભાઇનું મોત નિપજયું હતું.

આ બનાવ અંગે ગુજરનાર લક્ષ્મણભાઇના પિતા હરીભાઇ ગોવિંદભાઇ ડાંગર રહે. ગામ પાંચતલાવડા, તા. શિહોર ના એ જે તે સમયે ધોળા પોલીસ સ્ટેશનમાં ઉકત આરોપીઓ ઇકબાલ સિપાઇ, સુગ્રાબહેન સિપાઇ, હમિદાબેન સિપાઇ, રેશ્માબેન સિપાઇ, હબીબભાઇ સિપાઇ તથા એક સગીરા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ઇ.પી.કો. કલમ ૩૦ર, ૧૪૩, ૧૪૭, ૩૪ર મુજબનો ગુનો નોંધીયો છે.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલ્યાની દલીલો, મૌખીક પુરાવા ૧૯, દસ્તાવેજી પુરાવા પ૬ વિગેરે ધ્યાને લઇ તમામ આરોપીઓ સામે ગુનો સાબીત માની તકસીરવાર ઠરાવ્યા હતાં. જેમાં આરોપી નં. ૧ ઇકબાલ સુલેમાનભાઇ સિપાઇ સામે ઇ.પી.કો. કલમ ૩૦૪, ભાગ-ર ના ગુનામાં કસુરવાર ઠરાવી સાત વર્ષની શખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૦ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા જયારે આરોપીસુગ્રાબેન, હમીદાબેન, રેશ્માબેન, હબીબભાઇને આઇ.સી.પી. કલમ ૩૦૪ ભાગ- ર ના ગુનામાં  તકસીરવાન ઠરાવી તમામને ત્રણ વર્ષની શખ્ત કેદની સજા જયારે આઇ.પી.સી. કલમ ૧૪૩ મુજબના ગુના સબબ ૬ માસની સજા અને આઇ.પી.સી. કલમ ૧૪૭ના ગુના સબબ ૧ વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી. જયારે રૂ. ૧૦ હજારની દંડ પૈકીની રકમ વસુલ આવે તેમાંથી મરણ જનાર લક્ષ્મણભાઇના પિતા ફરીયાદી હરિભાઇને વળતર તરીકે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો. જયારે આ કેસમાં સગીરા સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. (૮.૭)

(11:38 am IST)