Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભાલછેલના સરપંચની વાડીમાંથી રૂ. ૨૧.૪૯ લાખનો દારૂ ઝડપાયો

સાસણ પંથકમાં સ્ટેટ વિજીલન્સના પી.એસ.આઇ. રામાણીનો સ્ટાફ સાથે સપાટો : ટ્રકમાંથી ઉતારીને સગેવગે થાય તે પહેલા જ વિજીલન્સ ખાબકી : સરપંચ વલ્લભ પરમારની ધરપકડ : ૪ બુટલેગરો નાસી ગયા : દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂ. ૩૨.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે : આઇજી સુભાષ ત્રિવેદી અનેએસ.પી. : સૌરભસિંઘના કડક પગલા છતાં છાનેખૂણે બુટલેગરો સક્રિય : સમી સાંજની કાર્યવાહી, વહેલી સવારે દારૂની ગણતરી પુરી થઇ

મેંદરડા : તસ્વીરમાં જપ્ત કરાયેલ દારૂના મુદ્દામાલ સાથે પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીર : ગૌતમ શેઠ, મેંદરડા)

જૂનાગઢ તા. ૩ : સાસણના ભાલેછેલનાં સરપંચ વલ્લભ પરમારની વાડીમાંથી સ્ટેટ વિજીલન્સે રાત્રે રૂ. ૨૧.૪૯ લાખનો ૧૯૩૮૩ બોટલ વિદેશી દારૂ પકડી પાડતા બુટલેગરોમાં હલચલ મચી ગઇ છે.

ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારીને સગેવગે કરવામાં આવે તે પહેલા સ્ટેટ વિજીલન્સના કાફલાએ ખાબકીને સરપંચ વલ્લભ પરમારને કુલ રૂ. ૩૨.૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

જો કે આ કાર્યવાહી દરમિયાન ૪ બુટલેગરો નાસી ગયા હોવાનું જાણવા મળેલ છે.

દારૂની બદીને કડક હાથ ડામી દેવા અને દારૂબંધીના કડક અમલ માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની સુચના મુજબ રાજ્યભરમાં પોલીસે કાર્યવાહી આરંભી છે સાથે સાથે સ્ટેટ વિજીલન્સ પણ દારૂની બદ્દીને ડામવા સક્રિય થયેલ છે.

આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ વિસ્તારમાં વિદેશી દાશ્રૂની હેરાફેરી થવાની હોવાની બાતમી મળતા સ્ટેટ વિજીલન્સના પી.એસ.આઇ. સતીષ રામાણી તેમજ સ્ટાફના જયેન્દ્રસિંહ પરમાર, રાણાભાઇ કુકસીયા, મયુરભાઇ વાંજા, યુસુફખાન બેલીમ, લખમણભાઇ મહેતા અને જયસુખભાઇ વગેરેએ ગઇકાલે સાંજે વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં સાસણ નજીકના ભાલછેલ ગામના સરપંચ વલ્લભ કડવા પરમારની વાડીએ વિદેશી દારૂ ભરેલો ટ્રક આવ્યો હોવાનું જાણવા મળતા વિજીલન્સના પી.એસ.આઇ. રામાણી સહિત કાફલો ધસી ગયો હતો. અચાનક પોલીસના દરોડાથી ૪ શખ્સો નાસી ગયા હતા. જોકે સરપંચ વલ્લભ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો. સરપંચની વાડીએ ટ્રકમાંથી દારૂનો જથ્થો ઉતારીને સગેવગે કરવામાં આવે તે પહેલા જ વિજીલન્સે ખાબકીને રૂ. ૨૧.૪૯ લાખની કિંમતના વિદેશી દારૂ ૧૯૩૮૩ બોટલ પકડી પાડી હતી.

પોલીસે દારૂ, ટ્રક અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ. ૩૨.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દરોડા દરમિયાન વિજીલન્સને હાથતાળી આપી અને અંધારાનો લાભ લઇ નાસી છૂટેલા બુટલેગરો સાસણનો અશ્વિન અમુ ધોકડીયા, કિશોર દેવશી વાઘેલા, સલીમ ચોરવાડા અને રસુલ નામના શખ્સો હોવાનું ખુલતા તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સ્ટેટ વિજીલન્સના પી.એસ.આઇ. સતીષ રામાણીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, સાંજે રેડ પાડવામાં આવી હતી પરંતુ દારૂનો વિશાળ જથ્થો હોય જેની ગણતરી સવારે ૬.૪૫ કલાકે પુરી થઇ હતી.

આ અંગે મેંદરડા પોલીસમાં સરપંચ વલ્લભ પરમાર સહિતના શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સોરઠમાં એકસાથે ૧૯૩૮૩ બોટલ દારૂ ઝડપાતા બુટલેગરોમાં હલચલ મચી ગઇ છે. બીજી તરફ આઇ.જી. સુભાષ ત્રિવેદીની સુચના અને માર્ગદર્શનથી જૂનાગઢ એસ.પી. સૌરભસિંઘે બુટલેગરો સામે કડક પગલા લીધા છે અને કોઇની શેહશરમ વગર દરોડાની કાર્યવાહી છતાં દારૂના ધંધાર્થીઓ છાનેખૂણે સક્રિય હોવાનું બહાર આવેલ છે.(૨૧.૧૧)

(11:35 am IST)