Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પ્રદેશ સંગઠન માળખા સહિતની નિમણૂંકોની આજે સાંજે જાહેરાત થાય તેવી સંભાવના

'જમ્બો' માળખુ હશે ઉપરાંત જીલ્લા પ્રમુખો વિપક્ષી નેતા અને વિવિધ કમીટીની થશે વરણીઃ રાજકોટ શહેર પ્રમુખ અને વિપક્ષી નેતા અંગે પણ થઈ શકે છે નિર્ણય

રાજકોટ, તા. ૩ :. ઘણા લાંબા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનનું માળખુ, શહેર જીલ્લા પ્રમુખોની તથા કોર્પોરેશનના વિપક્ષી નેતાઓની વરણી પાછી ઠેલાઈ રહી છે પરંતુ પ્રદેશ કાર્યાલયમાં ચર્ચાતી વિગતો મુજબ આજે સાંજે અંતે આતુરતાનો અંત આવી શકે છે. જમ્બો સંગઠન માળખા સહિતની વરણીઓની આજે જાહેરાત થવાની સંભાવના છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા વરિષ્ઠ પ્રદેશ કોંગી આગેવાનોએ પોતાની ભલામણો તથા સૂચનો મોકલ્યા બાદ ચાવડા તથા ધાનાણીએ આખરી યાદી તૈયાર કરીને તાજેતરમાં રાજ્ય પ્રભારી રાજીવ સાતવને સોંપી દીધી છે. જે અંગે સાતવજીએ રાહુલ ગાંધી સાથે વિચાર-વિમર્શ કરીને આ યાદી ફાઈનલ કરી દીધાનું મનાય છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે એવો નિર્ણય કર્યાનું મનાય છે કે, સંગઠન માળખામાં તમામ વિસ્તાર તથા તમામ સમાજને પ્રતિનિધિત્વ આપવુ અને આ વખતના સંગઠન માળખામાં ઉપપ્રમુખ મહામંત્રી, મંત્રી ઉપરાંત સહમંત્રીઓની પણ નિમણૂંકો કરી મુખ્ય આગેવાનોને સમાવી લેવા.

એમ મનાય છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તથા રાજ્ય પ્રભારી રાજીવ સાતવે એવુ વલણ અખત્યાર કર્યુ હતુ કે, પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત સાથો સાથ વિવિધ કમિટીઓ, લોકસભા બેઠક ઈન્ચાર્જ, લોકસભા બેઠકના ઓબ્જર્વરો, તમામ પાંખ, શહેર જીલ્લા પ્રમુખો, કોર્પોરેશનોના વિપક્ષી નેતાઓ સહિત તમામ નિમણૂંકોની જાહેરાત એકી સાથે જ કરી દેવી.

આજે સાંજે સંગઠન માળખા સહિતની વરણીઓની જાહેરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી કરવામાં આવે તેમ મનાય છે.

એક ચર્ચા મુજબ એકી સાથે કોંગ્રેસની વિશાળ 'ફોજ'ની જાહેરાત કરાશે અને તૂર્ત જ લોકસભા ચૂંટણીઓ માટેની તૈયારીઓ આરંભી દેવાશે.(૨-૬)

(11:31 am IST)