Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભાણવડમાં વિસ્તારો પ્રાથમિક સુવિધા વિહોણા

ભાણવડ, તા.૩: ઉમિયાજીનગર અને હરસિધ્ધનગરના રહિશો છેલ્લા એક વર્ષની પ્રાથમિક સુવિધાઓ માટે પાલિકામાં રજુઆતો કરી રહ્યા છે પરંતુ નઘરોળ બની ગયેલું પાલિકાતંત્ર સહેજ પણ દરકાર નથી લઇ રહ્યું.

બન્ને વિસ્તાર સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી સફાઇ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ નથી. ભૂગર્ભ ગટરનું કામ થઇ ગયું છે. જેની રસ્તા વચ્ચે બનાવવામાં આવેલી કુંડીઓના ઢાંકણાઓ ખુલ્લા મુકી રાખવામાં આવ્યા છે. જેને કારણે વાહનચાલકો, રાહદારી, નાના મોટા અબોલ પશુઓના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. પરંતુ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ બન્નેમાંથી કોઇ આ સમસ્યાનું નિરાકરણ ન કરતા હોઇ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પાણીની લાઇન માટે રજુઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં નગરપાલિકા તરફથી કોઇ એકશન લેવામાં નથી આવી રહ્યા અને પાણીના ટાંકા મંગાવી કામ ચલાવવું પડી રહ્યું છે. ઘરો પાસે જ જામેલા ગંદકીના થર, કાચા અને ખોદાણ કરેલા રસ્તાઓની ઘુળ-માટીના ઘરોમાં જામતા થર, રોજ ખોબા મોઢે શ્વાસ માટે શરીરમાં ધુળ ભરાઇ રહી છે. જેને કારણે શ્વાસ, ફેફસાને લગતી બિમારીનું જોખમ વધી ગયું છે.

(9:56 am IST)