Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

બેટ દ્વારકામાં ડ્રગ્‍સના આરોપીના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ

આજે સતત ત્રીજા દિવસે ઓપરેશન યથાવતઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍તઃ જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રસિધ્‍ધ યાત્રાધામ બેટ દ્વારકામાં મોટા પ્રમાણમાં દબાણ થઇ ગયું હોય ગુજરાતના છેવાડાના તથા આંતર રાષ્‍ટ્રીય સરહદે આવેલા બેટ દ્વારકામાં થયેલા દબાણોના મુદે રાષ્‍ટ્રીય સુરતા તથા દેશની આંતરિક સુરક્ષાના મુદ્દે જાગૃત થયેલ દેવભૂમિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રી નીમેશકુમાર પાંડેની આગેવાનીમાં શરૂ કરેલું મેગા ડીમોલીશન ગઇકાલે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું તથા ગઇકાલે ૧૮ થી ર૦ દુકાનો વંડાઓ તથા એક ધાર્મિક સ્‍થાન જે જંગલ ખાતાની જમીન ઉપર દબાણ કરીને તાજું જ બનાવેલું તે પણ તોડી પાડવામાં આવ્‍યું હતું.

ઓપરેશનમાં વંડાઓ, દુકાનો તથા મકાન પર બુલડોઝર ચલાવાયા હતા. ઓખા નગરપાલિકાની મીલકતની જમીન ઉપર ઉભી કરાયેલ ૧૧ દુકાનો તથા એક મકાન તોડી પાડવામાં આવ્‍યું હતું.

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે, ડી.વાય.એસ.પી. સમીર સારડા, ડે. કલેકટર પાર્થ કોટડીયા, ડે. કલેકટર પાર્થ તલસાણીયા, ઓખા ચીફ ઓફિસર અમિત પંડયા, સીટી સર્વે સુપ્રી. પટેલ તથા મામલતદાર દ્વારા પોલીસ જવાનો તથા એસ.આર.પી.ના જવાનો સાથે કામગીરી કરવામાં આવી હતી.

શનિવારના દિવસે સવારથી સાંજ સુધી ચાલુ રહેવા દબાણ હટાવો ઓપરેશનમાં પંદર વ્‍યકિતઓએ પપ હજાર ફુટ જેટલી જમીનો આ દબાણ કરેલું જેમાં કુલ ર૧ સ્‍થળોએ દબાણ હટાવ્‍યું હતું જેમાં છ સ્‍થળે સરકારી ખરાબા, પાલિકાની જગ્‍યા તથા ફોરેસ્‍ટની જગ્‍યામાં બનાવાયેલા ધાર્મિક સ્‍થળો પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. નવાઇની વાત છે કે દબાણકર્તાઓએ ગૌચરની જમીન પર પણ વંડા ખડકી દીધા હતા.

બેટ દ્વારકાના થયેલા દબાણ હટાવો ઓપરેશનમાં તંત્રના ધ્‍યાનમાં એવી વિગતો પણ આવી છે કે સર્વેયર કે એવા કોઇ વ્‍યકિતઓ પાસેની સરકારી જમીનો ખરાબાની વિગતો વેચાતી લઇને દબાણો થતા હતા! અગાઉ પણ આવી રીતે જમીન દબાણ થયેલું જે અંગે લેન્‍ડ ગ્રેબીંગની પણ ફરિયાદ થઇ હતી.

બેટ-દ્વારકાના દબાણ હટાવો ઓપરેશનમાં પાંચ જિલ્લાની પોલીસ તથા હથિયારો તથા ટીયરગેસ સાથે બુલેટપ્રુફ જેકેટ પહેરેલ ચુસ્‍ત કામગીરી કરવામાં પોલીસ તથા તંત્ર સફળ થયું હતું જયારે ગઇકાલે બે સ્‍થળે પોલીસે આંખ લાલ કરવી પડી હતી. એક જગ્‍યાએ લોકો ભેગા થઇને ચર્ચા કરતા તેમને જુદા પાડયા હતા ઘરમાં જવા ફરજ પડાઇ હતી.

તો કેટલાક શખ્‍સો અનધિકૃત રીતે મોબાઇલમાં શુટીંગ કરતા હોય આવા પાંચ શખ્‍સોને અટકાયત કરવામાં આવી હતી. અગાઉ દબાણ શરૂ કરતા પહેલા દબાણમાં નડતરરૂપ થાય તેની આશંકાથી પાંચ શખ્‍સોની અટકાયત પણ કરવામાં આવી હતી. બીજા દિવસે લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી પડી હતી.

નામચીન ડ્રગ્‍ઝ આરોપીનું

મકાન ઉડાવાયું

ઓખા બેટ વિસ્‍તારના હાજી અલી ગીલાની નો પુત્ર રમઝાન કે જે અગાઉ ૮૦૦ કરોડના ડ્રગ્‍ઝમાં સંડોવાયેલ તથા તેના પર એન.ડી.પી.એસ.નો કેસ થયો હતો. તેનું મકાન વંડો હતો તેના પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ મકાન પણ ગામ તળ વિસ્‍તારમાં હતું જે ગેરકાયદેસર હતું.

બેટ દ્વારકા દબાણ

નેશનલ ચેનલોમાં ચમકયું

બેટ-દ્વારકામાં બે દિવસથી શરૂ થયેલું તથા અભૂતપૂર્વ બંદોબસ્‍ત સાથેનું દબાણ હટાવો ઓપરેશન તથા તેમાં થયેથી કાર્યવાહીની નોંધ રાષ્‍ટ્રીય સ્‍તરની ટી.વી. ચેનલોમાં પ૦% લેવાતા તથા રાષ્‍ટ્રીય અખબારોમાં આવતા દબાણ હટાવો ઓપરેશન સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્‍યું છે.

બીજા દિવસે પણ ફેરી સર્વિસ બંધ

બેટ-દ્વારકામાં સતત બીજા દિવસે પણ ચાલુ રહેલા દબાણો હટાવો ઓપરેશનના પગલે ત્‍યાં ઘર્ષણની ભીતિથી તથા સુરક્ષાના મુદ્દે ઓખા-બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી ફેરી બોટ ઇમરજન્‍સી સિવાય બંધ રહી હતી. જેને કારણે ભાવિકો દર્શન કરવા પણ જઇ શકયા નહતા.

બે દિવસમાં ૭પ હજાર

ફુટથી જમીન ચારેક કરોડની ખુલી

બેટ દ્વારકામાં તંત્ર દ્વારા પ્રથમ દિવસે પપ હજાર ફુટ તથા બીજા દિવસે ર૦ હજાર ફુટ મળી બે દિવસમાં ૭પ હજાર ફુટ જમીન ખુલ્લી થઇ છે જેની બજર કિંમત ચારેક કરોડ થવા પામી છે. હાલ સિગ્નેચર બ્રીજની કામગીરી ચાલી રહી છે આ કામગીરી પૂર્ણ થઇ ગયે બેટ દ્વારકામાં જમીનની કિંમતો ખુબજ વધી જાય તેમ છે.

સર્વે તથા નોટીસ મુજબ

આજે પણ ઓપરેશન ચાલુ

બેટ-દ્વારકામાં જે દબાણ હટાવો ઓપરેશન શનિવારે શરૂ થયું છે તે આજે પણ ચાલુ રહેશે. તંત્ર દ્વારા તમામ કાયદેસરની કાર્યવાહી કરીને સર્વે કરીને જેમની નોટીસો આપવામાં આવી છે તેમની બનેલી યાદી મુજબ આજે પણ આ ઓપરેશન ચાલુ રહેશે તેમ તંત્રએ જણાવ્‍યું છે જો કે વહીવટી તંત્ર દ્વારા હવે કોઇના રહેણાંક મકાનો પર ડીમોલીશન કરવામાં આવ્‍યું નથી.

લેન્‍ડ ગ્રેબીંગની કામગીરી થશે?

સરકારી નિયમ મુજબ સરકારી જમીનો પર દબાણકર્તાઓ પર લેન્‍ડ ગ્રેબીંગનો કેસ થાય છે તો આ પ્રકરણમાં ૩પ/૪૦ દબાણકર્તાઓ સામે સરકારી તંત્ર આવા કંઇ પગલા લે છે કે કેમ? તે પણ ચર્ચાનો મુદ્‌ો થયો છે. (૭.ર૭)

બેટ દ્વારકામાં લોકો માટે અવરજવર બંધઃ ખાસ કિસ્‍સામાં પૂજા માટે પરમિશન

(ભરત બારાઈ દ્વારા) ઓખા, તા.૩: બેટ દ્વારકામાં આજે સતત ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું ભગીરથ કાર્ય ચાલુ છે જેને લઇ ઓખા બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી બોટ સેવા છેલ્લા ૩ દિવસથી સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી છે પણ આજે હવન અષ્ટમી હોય કેટલાક કુળ ના માતાજી અહીં બિરાજમાન હોય અને જે લોકોને અહીં હવન અને ધાર્મિક વિધિ માટે ખાસ કિસ્‍સામાં મંજૂરી આપવામાં આવે છે.

બેટ દ્વારકા માં હાલ માત્ર સમળદ્ધ માર્ગે જ જવાતું હોવાથી અહીં ડિમોલિશન કાર્યવાહી તંત્ર માટે એક મોટો પડકાર બની હતી પણ તંત્ર દ્વારા ખુબ માઇક્રો લેવેલે પ્‍લાનિંગ કરી આ ઓપેરશન સુપેરે પાર પાડી રહી છે.

૧૦૦૦ કરતા પણ વધુ પોલીસ જવાનો ને અહીં લઇ આવવા, રહેવા જમવાની વ્‍યવસ્‍થા કરવી એક મોટો પડકાર હતો પણ સ્‍થાનિકો નો સાથ લઇ અહીં હનુમાન દાંડી, ગુરુદ્વારા સહીત ની જગ્‍યા એ બધી વ્‍યવસ્‍થા ગોઠવી હતી.

(2:16 pm IST)