Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગર મહાનગરપાલિકા હેઠળના ૧૪ ગામ અને જાડા હેઠળના ૩૮ ગામના ખેડૂતોને અન્‍યાય મુદ્દે રજુઆત

પૂર્વ વિપક્ષી નેતાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદનઃ ઉગ્ર આંદોલનની ચીમકી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૩:  જામનગર વિસ્‍તાર વિકાસ સત્તા મંડળ એટલે કે, જાડા હેઠળ આવતાં ૩૮ ગામ અને મહાનગરપાલિકા હેઠળના નગરસીમના ૧૪ ગામના ખેડૂતો સાથે ઘોર અન્‍યાય કરીને શોષણ કરવામાં આવતું હોવાના મુદ્દે મુખ્‍યમંત્રીને સંબોધીને કલેકટર કચેરી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્‍યું છે. જેમાં પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઈ ખફી સહિતના ખેડૂતોએ ઉપસ્‍થિત રહીને ત્રણ મુદ્દા ઉપર અંત સુધીની લડત ચલાવવાની ઘોષણા કરી છે.

આટલું જ નહીં, રાજય અને કેન્‍દ્રના જામનગર આવતાં નેતાઓ સમક્ષ પણ મુદ્દો લઈ જવાની ચિમકી આપી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્‍યું છે કે,ᅠ જામનગર વિસ્‍તાર સતા મંડળમાં સમાવિત ૩૮ ગામો ના ખેડૂતો નું શોષણ કરવા બાબત, જામનગર શહેરની આજુબાજુ માં મહાનગર પાલિકા દ્વારા ૧૪ ગામોનો સમાવેશ થયેલો છે, જેમના ખેડૂતોને અન્‍યાય થવા બાબત, જમીન માપણી કચેરી માં રિ-સર્વે સુધારવાનીᅠ ૨૦ હજાર થી વધારે ખેડૂતની અરજીઓ પેન્‍ડીંગ છે, તેનું નિરાકરણ લાવવા માટે રોષ વ્‍યક્‍ત કરાયો છે.

ગ્રીડ રોડ નેટવર્ક અને પ્‍લોટ વેલીડેશનના નામે જાડા દ્વારા જમીનનો ૪૦ ટકા ભાગ લઈ લેવામાં આવતો હોવાથી સ્‍થિતી એવી થઈ છે કે ખેડૂતોને પહેલા જે ૭૦ ટકા જમીન ઉતરતી હતી, તે આ અન્‍યાયકારી નિયમો ના કારણે ધટી ને માત્ર ૩૫ ટકા નો ઉતારો આવી ગયેલો છે.જેના કારણે અભણ ખેડૂતોનુંᅠ શોષણ થાય છે.

જામનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વિભાપર, નવાનાગના, જુના નાગના,ખીમરાણા, ધુંવાવ, મોરકંડા, ખીમલીયા, દડીયા, નારાણપર, કનસુમરા, નાધેડી, ગોરધનપર, ઢીંચડા, દરેડનો આડધો ભાગ અને આખે આખા નગરસીમનો સમાવેશ છે કે જયાંના ખેડૂતો સાથે ધોર અન્‍યાય થયો છે.

જમીનના રી સર્વેમાં જ મોટામાં મોટી ભૂલ કરવામાં આવી છે,માત્ર સ્‍માર્ટ સીટીના ડા પાળા નામ હેઠળ ખાનગી કંપની તરફથી નકશાના આધારે જે રી સર્વે કરવામાં આવ્‍યો છે તેમાં એટલાબધા છબરડા છે, એટલી બધી ભુલ છે કે જેના માઠા પરિણામ ખેડૂતોને ભોગવવા પડી રહ્યા છે. કોઈ ખાનગી કંપની પાસે કરવામાં આવેલા આ રી સર્વેમાં એટલી ભૂલો રાખવામાં આવી છે કે ભાઈ ભાઈ વચ્‍ચે અને શેઢા પડોશીઓ વચ્‍ચે વેર ઝેર થઈ રહયા છે,રી સર્વેની કામગીરીમાં ક્ષતી હોવા છતાં અમલનો દંડો પછાડી દેવાયો છે, આ રી સર્વેમાં વ્‍યાપક ગોટાળા છે એવી ૨૦ હજાર જેટલી વાંધા અરજીઓ તો માત્ર જામનગર જીલ્લાની જ છે.

જો તાત્‍કાલિક અસરથી ફેરફાર નહીં કરવામાં આવેતો સાત દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.

(2:03 pm IST)