Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

ખંભાળિયામાં સામાન્‍ય બાબતે બે જૂથ વચ્‍ચે બઘડાટી

જામખંભાળિયા,તા. ૩ : ખંભાળિયામાં રહેતા માણસુરભાઈ આલાભાઈ રૂડાચ નામના ૬૫ વર્ષના વૃદ્ધના પુત્રને અજય ડાડા ધારાણી, મેહુલ કરસન ધારાણી, ભાવેશ વિરમ ધારાણી અને દિલીપ સીદા ધારાણી નામના શખ્‍સો સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોય, તે દરમિયાન તેમના પિતા ફરિયાદી માણસુરભાઈ રૂડાચ તેમજ તેમની સાથે સાહેદ માંડણભાઈ ત્‍યાં ગયા હતા.

જેથી આરોપીઓએ ઉશ્‍કેરાઈને ધોકા વડે હુમલો કરી, ફ્રેકચર સહિતની ઇજાઓ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે. આ પ્રકરણમાં સામા પક્ષે મેહુલ કરસનભાઈ ધારાણીએ માંડણ માણસુરભાઈ ભોજાણી, માંડણભાઈ ભોજાણી, રાયદે માંડણસુર ભોજાણી અને હમીર માણસુર ભોજાણી સામે તેમને લોખંડના પાટિયા તથા ધોકા વડે માર મારી તથા અન્‍ય સાહેદોને પણ માર મારી, ઇજાઓપહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધાવવામાં આવ્‍યો છે.

દ્વારકા તથા ભાણવડ પંથકમાં ચાર સ્‍થળોએ જુગારમાં આઠ મહિલા સહિત બાર ઝડપાયા

દ્વારકાના ગોમતીઘાટ વિસ્‍તારમાંથી પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા ઈમ્‍તિયાઝ યુનુસ મીર અને રમેશભા રાયદેભા માણેક નામના બે શખ્‍સોને ઝડપી લઇ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દ્વારકા તાલુકાના મીઠાપુર ટાઉનશીપ નજીકથી પોલીસે તીનપતિ નામનો જુગાર રમી રહેલા આલીબેન ખેતાભાઈ હાથીયા, સીતાબેન મોહનભાઈ ભીરાડે અને સવિતાબેન શંકરભાઈ મરાઠા નામના ત્રણ મહિલાઓને ઝડપી લઇ, રૂપિયા ૨,૦૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાણવડ તાલુકાના ભવનેશ્વર ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જગદીશ લેરગર મેઘનાથી, મંજુલાબેન બાલગર અપારનાથી અને મણીબેન વજશીભાઈ સોલંકીને ઝડપી લઇ, રૂપિયા ૨,૧૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ વિસ્‍તારમાં અન્‍ય એક દરોડામાં પોલીસે બાલગર ભીમગર અપારનાથી, મોતીબેન રામાભાઈ ગોરફાડ, શાંતાબેન હીરાભાઈ ખાવડુ અને દિવાળીબેન જીવાભાઈ નાનેરાને ઝડપી લઇ રૂપિયા ૨,૭૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દ્વારકાની પરિણીતાને ત્રાસ

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતી અને ઈબ્રાહીમ આદમભાઈ કાઠની ૩૧ વર્ષની પરિણીત પુત્રી અંજુમબેન આસિફભાઈ ગણતરાને તેણીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ આસિફ ઈકબાલ ગણતરા દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, અવારનવાર ઝઘડો કરવા સ્‍થાનિક પોલીસ મથકમાં સ્ત્રી અત્‍યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

દ્વારકામાં છરી સાથે ઝડપાયો

દ્વારકાના બિરલા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા ખેંગારભા રામભા સુમણીયા નામના ૩૦ વર્ષના હિન્‍દુ વાઘેર શખ્‍સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્‍યો હતો.

(1:59 pm IST)