Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

માતાના મઢમાં હવનનું બીડુ હોમાયુ : પતરી વિધીમાં ભાવીકો જોડાયા

રાજાબાવાના હસ્‍તે હોમાદિકક્રિયા વિધી સંપન્નઃ કોરોનાના ર વર્ષ પછી ભકતજનોની વધુ હાજરી

ભુજ-રાજકોટ, તા., ૩: પ્રસિધ્‍ધ તીર્થધામ માતાના મઢ મધ્‍યે માઁ આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રી દરમ્‍યાન ભકતોની ભારે ભીડ ઉમટી રહી છે. બે વર્ષના કોરોના કાળ  પછી માઇ ભકતો મોટી સંખ્‍યામાં સહ પરીવાર દર્શને ઉમટયા છે. ગઇકાલે  સાતમના નોરતાની રાત્રે હવન મધ્‍યે બીડુ હોમાયું હતું પરંપરાગત વિધિ વિધાન વચ્‍ચે મઢ જાગીરના અધ્‍યક્ષ રાજાબાવા યોગેન્‍દ્રસિંહજીએ હવનમાં બીડુ હોમ્‍યુ હતું. આ પ્રસંગે આચાર્ય પદે આચાર્ય દેવકૃષ્‍ણ વાસુ રહયા હતા. જયારે શ્રધ્‍ધાળુઓ પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ભાવ પુર્વક હવનમાં જોડાઇ માઁ આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા.

આજે સવારે રાજવી હનુમંત સિંહનું એ પતરી (જાતર) વિધી સોમપીર રાજ પરિવાર સાથે કરેલ હતી.

માઁ આશાપુરા માતાના મઢ કચ્‍છ ખાતે રવિવારે રાત્રીના ૯ કલાકે ભવ્‍ય હોમાદિક ક્રિયા ઉત્‍સવનો પ્રારંભ થયેલ. રાજાબાવા શ્રી યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષ સ્‍થાને ગોર મહારાજ શ્રી દેવકૃષ્‍ણ જોશી તથા ટ્રસ્‍ટી શ્રી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર,મંગળજીભાઇ ઠક્કર આમંત્રીત મહેમાનો માઇ ભકતો ઉપસ્‍થિત રહેલ. રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના હસ્‍તે રાત્રે ૧ર.૩૦ કલાકે હવનમાં બીડુ હોમવામાં આવેલ. સમગ્ર વાતાવરણ માઁ આશાપુરાના નાદથી ગુંજી ઉઠેલ. વિશાળ સંખ્‍યામાં માઇ ભકતોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય હોમાદિક ક્રિયા સંપન્ન થયેલ. માઁ આશાપુરા સૌની મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના  રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી  માઁ આશાપુરાને વંદન પુર્ણ પ્રાર્થના કરેલ. માતાના મઢ ટ્રસ્‍ટીગણ સેવક ગણ, કાર્યકરો તથા મયુરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ, ભુવાશ્રી સેવા આપેલ હતી. (તસ્‍વીરઃ અહેવાલઃ વિનોદ ગાલા (ભુજ) વિનોદ પોપટ (રાજકોટ) ધીરજ સ્‍ટોર્સ માતાના મઢ-કચ્‍છ) 

(11:44 am IST)