Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

મીસીસ યુનિવર્સ જૂનાગઢમાં ગરબે ઘુમ્‍યા

જૂનાગઢ :  આદ્યશક્‍તિ માં જગદંબાની આરાધના અને ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રી નિમિત્તે જૂનાગઢના આંગણે સોરઠીય શ્રીગોડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ દ્વારા આયોજીત રાસોત્‍સવમાં વર્ષ - ર૦૧૫ મીસીસ યુનિવર્સ પારિતોષિક વિજેતા રૂબી યાદવે દિકરીઓ સાથે ગરબે ઘુમી ગુજરાતનો આ નવરાત્રી ઉત્‍સવ હવે અન્‍ય રાજ્‍યોમાં પણ ધુમ મચાવી રહ્યો છે તેમ જણાવ્‍યુ હતું.  શહેરના ભૂતનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્‍ડમાં સોરઠીય શ્રીગોડ માળવીય બ્રહ્મ સેવા સમિતિના ઉપક્રમે યોજાયેલ નવરાત્રી રાસોત્‍સવમાં મીસીસ યુનિવર્સ રૂબી યાદવ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં અને  નવરાત્રી જેવા પાવન પર્વે જૂનાગઢમાં આવી માતાજીની આરાધના સાથે દિકરીઓ સાથે રાસ રમવાથી ખુબ ઉર્જા મળી છે તેમ જણાવી રૂબી યાદવે સોરઠીય શ્રીગોડ બ્રહ્મ સેવા સમિતિના સભ્‍યોનો આભાર માન્‍યો હતો. આ પ્રસંગે તેમની સાથે વરિષ્‍ઠ મહિલા અગ્રણીઓ નીરૂબેન કાંબલીયા, જ્‍યોતિબેન વાછાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. સમિતિના મહિલા આગેવાનો સીતાબેન દવે, પ્રતિભાબેન પુરોહિત અને જાગળતિબેન પુરોહિત સતત તેમની સાથે રહ્યા હતાં.  આ પ્રસંગે સમિતિના પ્રમુખ શૈલેષ દવે,  ધીરૂભાઈ પુરોહિત (પત્રકાર), શનતભાઈ પંડયા, આકાશ દવે, કેતન ભટ્ટ સહિતના અગ્રણી કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યુ હતું. આ ઉપરાંત રૂબી યાદવ આહિર સમાજ દ્વારા યોજાયેલ ગરબીમાં પણ ઉપસ્‍થિત રહ્યા હતાં અને રાસ રમતી બાળાઓને બિરદાવી હતી. ત્‍યારબધાદ વરિષ્‍ઠ આગેવાન જવાહરભાઈ ચાવડાના નિવાસસ્‍થાને યોજાયેલ ભોજન સમારોહમાં રૂબી યાદવ ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:55 am IST)