Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

આજે રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગાંધીનગરથી કંડલા બંદરે ૨૮૪ કરોડના વિકાસ કાર્યોનો વર્ચ્‍યુઅલ શિલાન્‍યાસ

કેન્‍દ્રીય શિપિંગ મંત્રી શ્રીપદ નાઇકની વિશેષ ઉપસ્‍થિતી ગવર્નર આચાર્ય દેવવ્રત, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, મંત્રીઓ ઋષિકેશ પટેલ, નિમિષા સુથાર, પોર્ટ ચેરમેન એસ.કે.મેહતાની ઉપસ્‍થિતીમાં કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૩ :  આજે ગુજરાતની મુલાકાતેᅠ આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્‍તે ગાંધીનગરથી દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા બંદરની અંદર વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવતા વિકાસ કાર્યોનું વર્ચ્‍યુઅલી ખાતમુહુર્ત કરાયું હતું. મહામહીમ રાષ્ટ્રપતિજીએ સિવિલ હોસ્‍પિટલ, ગુજરાત મેડિકલ એજયુકેશન એન્‍ડ રિસર્ચ સોસાયટી (GMERS) ગાંધીનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાના આ ૪ મેગા પ્રોજેક્‍ટ્‍સનો વર્ચ્‍યુઅલ રીતે શિલાન્‍યાસ કર્યો હતો. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ની સાથે ખાસ ઉપસ્‍થિત કેન્‍દ્રીય મંત્રી શ્રીપદ યેસો નાઈક (બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજય), રાજયના મંત્રીઓ રૂષિકેશ પટેલ (માનનીય આરોગ્‍ય મંત્રી), નરેશ પટેલ (આદિજાતિ વિકાસના માનનીય મંત્રી), શ્રીમતી નિમિષાબેન સુથાર (આદિજાતિ વિકાસ અને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજય મંત્રી), એસ.કે. મહેતા (IFS,ચેરમેન, દીનદયાલ પોર્ટ ઓથોરિટી-કંડલા) રહ્યા હતા. મહામહીમ રાષ્ટ્રપતિજીએ દીનદયાલ પોર્ટ કંડલાના જે ૪ મેગા પ્રોજેક્‍ટનો શિલાન્‍યાસ કર્યો એમાં (૧) કાર્ગો જેટી વિસ્‍તારની અંદર નવા ડોમ આકારના ગોડાઉનનું બાંધકામ ખર્ચ રૂ. ૬૯.૫૧ કરોડ (૨) કાર્ગો જેટી વિસ્‍તારની અંદરના ૬૬ હેક્‍ટર વિસ્‍તારમાં પ્‍લોટ અને સ્‍ટોર્મ વોટર ડ્રેઇન્‍સનું અપગ્રેડેશન પ્રોજેક્‍ટ ખર્ચ રૂ. ૮૦ કરોડ (૩) કાર્ગો જેટી વિસ્‍તારની અંદર ૪૦ હેક્‍ટર વિસ્‍તારમાં પ્‍લોટ, રસ્‍તાઓ અને સ્‍ટ્રોમ વોટર ડ્રેઇનનું અપગ્રેડેશન પ્રોજેક્‍ટ ખર્ચ રૂ. ૪૭.૦૦ કરોડ, તુણા બંદરના રોડને ટુ લેનમાંથી ફોર લેનમાં અપગ્રેડ કરવાનો પ્રોજેક્‍ટ ખર્ચ રૂ. ૮૭.૩૨ કરોડ એમ કુલ ૨૮૪ કરોડના ખર્ચે આ કામો થશે. દેશનું સરકારી મહાબંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા (DPA) નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે અને ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.

(11:40 am IST)