Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સંસ્થા-ટ્રસ્ટોની નિઃશુલ્ક હોસ્પિટલો માનવસેવાનુ સંવેદનશીલ કાર્યઃ વિજયભાઇ

અમરેલી જીલ્લાના રાજુલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના બિલ્ડીંગનુ ખાતમુહુર્ત

પૂ. મોરારીબાપુ દ્વારા શ્રીરામકથા અને સવા લાખના દાનની જાહેરાત : અમરેલીઃ આજે રાજુલા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પૂ. મોરારીબાપુ તથા સંતો-મહંતોના હસ્તે હોસ્પિટલનું ખાતમુહુર્ત કરાયું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.  : રાજૂલા તા. ૩ :.. પૂ. મોરારીબાપુ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આર્શિવચન પાઠવ્યા હતાં. પૂ. મોરારીબાપુ દ્વારા દર્દીઓના હિતમાં સવા લાખના દાનની જાહેરાત કરવામં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલ માટે યજમાન સાથે શ્રીરામકથા કરી આપવાની જાહેરાત કરી હતી. પૂ. મોરારીબાપુએ રાજેન્દ્રદાસબાપુની લાગણીને માન આપીને રાજુલાના રામપરા-ર, વૃંદાવન આશ્રમ માટે રામકથા કરવાની ખાતરી આપતા રાજુલા પંથકમાં ઉત્સાહ છવાયો છે.

રાજકોટ-અમરેલી, તા. ૩  :. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાના નવ બિલ્ડિંગનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને પૂજય મોરારીબાપુના વરદ્ હસ્તે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભા.જ.પ. અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન  થયું હતું. ખાતમૂહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ રાજુલાના માર્કેટીંગ યાર્ડ ખાતે જનસભા સંબોધી હતી.

મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરને શુભકામના પાઠવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગરીબ છેવાડાના માનવીને નિઃશુલ્ક સારવાર મળે તે માટે રાજય સરકારમાં અમૃતમ, માં વાત્સલ્ય સહીતની યોજનાઓ ચલાવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય સંસ્થાઓને અપાતા લાભ વિશે જણાવ્યું હતું કે સિવિલ ઓસ્પિટલનો ભાર ઘટાડવાનું કામ ટ્રસ્ટની હોસ્પિટલો કરી રહી છે. આવી મફત સારવાર કરનારી સંસ્થા સરકારનું કામ કરી રહી છે. સરકાર આવી સંસ્થાઓનો રીકરીંગ (રોજીંદો) ખર્ચ આપી રહી છે. રાજય સરકારે કરોડોનો ખર્ચ આપી વિવિધ આરોગ્ય સંસ્થાઓને સહકાર આપ્યો છે.

રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ મેડીકલ કોલેજો બનાવી રહી છે. ભારત સરકાર એઈમ્સ પણ રાજકોટને આપી રહી છે. જેનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને પ્રાપ્ત થશે. દર્દીઓ માટે આ સંવેદનાસભર કામ થઈ રહ્યુ છે તેમ વિશેષમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે દર્દીનારાયણોની સેવા માટે બનનાર આરોગ્ય મંદિર માટે દાતા, આયોજકો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુકે નવી હોસ્પીટલથી રાજુલા-સાવરકુંડલાના દર્દીઓને ભવિષ્યમાં ઘર આંગણે જ સગવડ પ્રાપ્ત થશે. રાજ્યની જનતા સ્વસ્થ અને નિરોગી રહે તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી કાર્ય કરી રહી છે. ગુજરાતમાં હોસ્પીટલો માટે દાન આપનાર દાતાઓની સરાહના પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

પરમ પૂજ્ય મોરારીબાપુએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની આપણે સૌએ ઉજવણી ૨જી ઓકટોબરના રોજ કરી છે. જ્યારે ૩જી ઓકટોબરે આપણે રાજુલામાં ગાંધીજીના વિચારોને કાર્યાન્વિત કરવાનું કામ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નિર્માણ થકી થઈ રહ્યુ છે. માનવીને સ્વસ્થ તંદુરસ્ત કરવા સંસ્થા દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યુ છે.

આ કાર્યક્રમમાં અંબરીશભાઈ ડેરે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ હરેશભાઈ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી. અનિલભાઈ મહેતા, અજયભાઈ મહેતા, પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે. લહેરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં નિલાબેન સંઘવીના પુસ્તક 'સંબંધોનું વિશ્વ'નું પરમ પૂજ્ય મોરારીબાપુએ વિમોચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, સાંસદ શ્રી પૂનમબેન માડમ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સર્વ ધારાસભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓના સંતો-મહંતો સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:02 pm IST)